Ahmedabad Rickshaw Gang: અમદાવાદ શહેરમાં સવારના સુમારે રિક્ષામાં પેસેન્જર બનીને બેસતી મહિલાઓને નિશાન બનાવતી રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં ચાલુ રિક્ષામાં એક મહિલાને ધમકાવી, લાફો ઝીંકીને આશરે 4.10 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારાઓ મહિલાને હાટકેશ્વર સ્મશાન ગૃહ પાસે રોડ પર ઉતારીને રિક્ષા લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પિયરથી પરત ફરતી મહિલા બની રિક્ષા ગેંગનો શિકાર
મળતી માહિતી અનુસાર, લૂંટની આ ઘટના ગત 24મી મેના રોજ સવારે આશરે સવા સાત વાગ્યાની આસપાસ બની હતી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય હીનાબહેન દેપાણી પોતાના પિયર કેશોદથી એસ.ટી. બસ દ્વારા અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ઉતર્યા હતા. ત્યાંથી વસ્ત્રાલ સ્થિત પોતાના ઘરે જવા માટે તેઓ એસ.ટી. ચાર રસ્તા પાસેથી એક પેસેન્જર રિક્ષામાં બેઠા હતા.
આયોજનબદ્ધ રીતે મહિલાને રિક્ષામાં આંતરી
લૂંટારાઓએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. હીનાબહેન જ્યારે રિક્ષામાં બેઠા ત્યારે તેમાં ડ્રાઈવર ઉપરાંત પાછળ એક પેસેન્જર પહેલેથી જ બેઠેલો હતો. રિક્ષા થોડી આગળ વધતા જ રસ્તામાંથી રિક્ષાચાલકે અન્ય બે પુરુષ પેસેન્જરોને પણ અંદર બેસાડી દીધા હતા, જેઓ તેના જ સાગરીતો હતા.
રિક્ષા જ્યારે હાટકેશ્વર સ્મશાન રોડ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે રિક્ષાચાલક અને તેની ગેંગની નજર હીનાબહેને પહેરેલા સોનાના ઘરેણા પર પડી હતી. લૂંટારાઓએ ચાલુ રિક્ષામાં જ હીનાબહેનને કિંમતી ઘરેણા ઉતારી આપવા માટે દબાણ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. હીનાબહેને આ શખસોનો પ્રતિકાર કરવાનો અને બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાછળ બેઠેલા ત્રણેય શખસોએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન એક લૂંટારાએ હીનાબહેનને જોરદાર લાફો મારી દીધો હતો અને 'જો ઘરેણા નહીં આપે તો જાનથી મારી નાખીશું' તેવી ગંભીર ધમકી આપી હતી.
ભયના માર્યા ગભરાઈ ગયેલા હીનાબહેને પોતાના શરીર પરથી આશરે 28 ગ્રામ વજનના સોનાના દાગીના (જેમાં સોનાનું ડોકિયું અને સોનાની ત્રણ વીંટીઓ સામેલ હતી) ઉતારીને લૂંટારાઓને સોંપી દીધા હતા.
સ્મશાન પાસે મહિલાને ઉતારી લૂંટારાઓ ફરાર, પોલીસ તપાસ શરૂ
4.10 લાખ રૂપિયાની મતાના સોનાના દાગીના પડાવી લીધા બાદ રિક્ષા ગેંગના ચારેય સાગરીતોએ હીનાબહેનને હાટકેશ્વર સ્મશાન પાસે ચાલુ રોડ પર રિક્ષામાંથી નીચે ઉતારી મૂક્યા હતા અને પળવારમાં રિક્ષા ભગાડીને નાસી છૂટ્યા હતા. આ આઘાતજનક ઘટના બાદ ભોગ બનનારે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હીનાબહેનની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી, ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ફંફોળવાની અને રિક્ષાના નંબરના આધારે લૂંટારી ટોળકીને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.


