અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Digital Lockers In Ahmedabad Railway : મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કારવાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ‘ડિજિટલ લગેજ લોકર સુવિધા’ શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધાનું ઉદ્ઘાટન સાંસદ દિનેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું કે 'આ સ્વચાલિત ડિજિટલ લગેજ લોકર સુવિધા મુસાફરોને શહેરમાં ફરવા અથવા અન્ય કામકાજ દરમિયાન પોતાના સામાનને સુરક્ષિત રાખવામાં સહાયક સિદ્ધ થશે. મુસાફરો કોઈપણ કર્મચારીની મદદ વગર પોતાના મોબાઇલ ફોન દ્વારા લોકરનું સંચાલન કરી શકશે.'
આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર, વેદ પ્રકાશે જણાવ્યું કે 'અમદાવાદના કાલુપુર સ્થિત રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદ સ્ટેશન પર પ્રથમ વખત મુસાફરો માટે ડિજિટલ લોકર સુવિધા શરૂ કરવામાં આવી છે. બહારથી આવનારા મુસાફરો પાસે ઘણીવાર સામાન અને કિંમતી ચીજવસ્તુઓ હોય છે. ઘણીવાર માત્ર સામાન સુરક્ષિત રાખવા માટે તેમને હોટલ લેવી પડે છે, અથવા ત્રણ-ચાર કે છ કલાક માટે ઓફિસ કે અન્ય સ્થળે જવું હોય ત્યારે સામાન સાથે લઈ જવું અસુવિધાજનક બને છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં કુલ 59 લોકર ઉપલબ્ધ છે, જેમાં નાના, મધ્યમ અને મોટા કદના લોકરનો સમાવેશ થાય છે. તેમના ચાર્જ પણ વ્યાજબી રાખવામાં આવ્યા છે. 3 કલાક, 6 કલાક અને 24 કલાક માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. માત્ર ₹40થી શરૂ થતી આ સુવિધા મુસાફરોને ટેક્નોલોજી દ્વારા સશક્ત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. મુસાફરો સ્વયં સ્વચાલિત સિસ્ટમ દ્વારા લોકર બુક કરી શકશે. સહાય માટે કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો સરળતાથી પોતાનો સામાન સુરક્ષિત રાખીને પોતાના કામ માટે જઈ શકશે. આગામી તબક્કામાં આવી જ સુવિધાઓ સાબરમતી સ્ટેશન પર પણ વિકસાવવામાં આવશે. ત્યાં મુસાફરો માટે ફ્રેશ થવા, ભોજન કરવા અને કાર્ય કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરો પોતાનો સામાન લોકરમાં સુરક્ષિત રાખીને પોતાનું કામ કરી શકશે, દસ્તાવેજો તૈયાર કરી શકશે, તેમની પ્રિન્ટિંગ કરાવી શકશે અને જરૂરી કાર્ય પૂર્ણ કર્યા પછી પાછા આવી પોતાનો સામાન લઈને પોતાના ગંતવ્ય તરફ પ્રસ્થાન કરી શકશે. આ અમારો પ્રથમ પ્રયાસ છે. તેની સફળતાના આધારે આગામી તબક્કામાં મુસાફરો માટે વધુ સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુસાફરો બે-ત્રણ કલાક આરામ પણ કરી શકશે, બહાર જઈ પોતાનું કાર્ય પૂર્ણ કરી શકશે અને પછી પાછા આવી સરળતાથી પોતાની યાત્રા આગળ વધારી શકશે.'

ડિજિટલ લગેજ લોકરની મુખ્ય વિશેષતાઓ
હાલમાં પ્રથમ તબક્કા હેઠળ અમદાવાદ સ્ટેશન પર કુલ 59 અત્યાધુનિક લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને મુસાફરોની જરૂરિયાત મુજબ ત્રણ શ્રેણી એટલે કે મિડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જમાં વહેંચવામાં આવ્યા છે. આ સુવિધા મુસાફરો માટે ચોવીસ કલાક અને સપ્તાહના સાત દિવસ (24×7) ઉપલબ્ધ રહેશે. આ પ્રણાલીમાં નીચે મુજબની આધુનિક તથા સુરક્ષા સંબંધિત વિશેષતાઓ સામેલ છે.
સંપૂર્ણપણે ડિજિટલ અને કેશલેસ ચુકવણી : સુરક્ષિત લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા અન્ય ડિજિટલ માધ્યમોથી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
OTP આધારિત ઍક્સેસ : લોકરના સંચાલન માટે મુસાફરના નોંધાયેલા મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે, જેથી અનધિકૃત પ્રવેશ સંપૂર્ણપણે અટકાવી શકાય.
મજબૂત સુરક્ષા વ્યવસ્થા : તમામ લોકર મજબૂત અને છેડછાડ-પ્રતિરોધક (Tamper-proof) સંરચનાથી બનાવવામાં આવ્યા છે. તેમની દેખરેખ ક્લાઉડ આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે તેમજ અવિરત વીજ પુરવઠા માટે (UPS) બેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ છે.
બહુભાષીય ઇન્ટરફેસ: દેશના વિવિધ ભાગોમાંથી આવનારા મુસાફરોની સુવિધા માટે ડિજિટલ સ્ક્રીન પર બહુભાષીય ઇન્ટરફેસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેને મુસાફરો સ્વયં સરળતાથી સંચાલિત કરી શકે છે.
લોકરનું ભાડુ

આ આધુનિક સુવિધાનું સંચાલન અને જાળવણી ઈ-હરાજી પ્રક્રિયા દ્વારા મેસર્સ ડ્યુરોલ્ટ ટેક્નોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડ, પુણેને સોંપવામાં આવ્યું છે. પાંચ વર્ષ માટે કરવામાં આવેલો આ કરાર 25 ફેબ્રુઆરી 2031 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત રેલવેને દર વર્ષે ₹8,21,350ની લાઇસન્સ ફી પ્રાપ્ત થશે તથા કરારની સમગ્ર અવધિ દરમિયાન અંદાજે ₹48.46 લાખની આવક પ્રાપ્ત થશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્માર્ટ ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ ભારતીય રેલવે અને પશ્ચિમ રેલવેની મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત પ્રવાસ અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક સશક્ત ઉદાહરણ છે.

મુસાફરોને કેવી રીતે થશે ફાયદો?
આ આધુનિક સુવિધાના શુભારંભ પ્રસંગે 10મી જૂન 2026ના રોજ સવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિસ્ટમની કાર્યપ્રણાલીની સમીક્ષા કરી હતી. ઘણીવાર અન્ય શહેરોમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ અથવા કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતાં મુસાફરો પાસે ઘણો સામાન હોય છે, જેના કારણે તેઓ રેલવે સ્ટેશનની બહાર નીકળી શકતા નથી. પરંતુ હવે આ ડિજિટલ લગેજ લોકર સુવિધાની મદદથી મુસાફરો પોતાનો નાનો-મોટો સામાન અત્યંત સુરક્ષિત રીતે લોકરમાં જમા કરાવી શકશે. ત્યારબાદ તેઓ સામાનની કોઈ પણ પ્રકારની ચિંતા વિના નિશ્ચિંત થઈને અમદાવાદ શહેરમાં ખરીદી કરવા, ફરવા અથવા પોતાના અન્ય અગત્યના કામો પતાવવા માટે જઈ શકશે. રેલવે તંત્રના જણાવ્યાનુસાર, ક્લોક રૂમની સરખામણીએ આ ડિજિટલ લગેજ લોકર સેવા મુસાફરોને વધુ સુરક્ષિત, ઓટોમેટેડ અને સરળ ટૅક્નોલૉજી આધારિત સુવિધા પૂરી પાડે છે.









