Get The App

અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, 'જનતા રેડ'ની ચીમકી

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, 'જનતા રેડ'ની ચીમકી 1 - image

Ahmedabad News: અમદાવાદમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશન અને કોઈપણ મંજૂરી વિના ધમધમતી ગેરકાયદે ડે-સ્કૂલો સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને 'જનતા રેડ' કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

શિક્ષકો પર બ્લેકમેલિંગના આક્ષેપ

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, 'RTE અને ટ્યુશન અધિનિયમ 2002 મુજબ, શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન કે ત્યારબાદ કોઈપણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે નહીં. રિઝલ્ટ આવ્યા બાદ ઘણાં શિક્ષકો શાળામાં સારું શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને પોતાના ખાનગી ટ્યુશનમાં જોડાવા માટે બ્લેકમેલ કરી રહ્યા છે. એજ્યુકેશન ગ્રુપ દ્વારા ક્યુઆર કોડ (QR Code) મારફતે આવા ગેરકાયદે ટ્યુશન ચલાવતા શિક્ષકોની માહિતી પણ એકઠી કરવામાં આવી છે. સરકારની મંજૂરી વગર ચાલતી ડે-સ્કૂલો માત્ર પૈસા કમાવવાની હાટડીઓ બની ગઈ છે.'

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા ત્રિપલ તલાક!

DEO ની ખાતરી અને તપાસના આદેશ

આ આવેદન પત્રના જવાબમાં અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે, 'શિક્ષણ વિભાગ આ રજૂઆતને એક ઝુંબેશ તરીકે લેશે અને તમામ શાળાઓને આ બાબતે પત્ર મોકલી તપાસ કરવામાં આવશે. વિભાગનો ફિલ્ડ સ્ટાફ સતત વિઝિટ કરીને ટ્યુશન ચલાવતા શિક્ષકોની તપાસ કરશે. આવેદન પત્રમાં આપેલા ચોક્કસ સરનામા અને વિગતોના આધારે સઘન તપાસ કરાશે અને દોષિત શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. ગત વર્ષે છૂટા કરાયેલા શિક્ષકોને ફરીથી નોકરી પર રાખી લેવામાં આવ્યા છે તેવા આક્ષેપો અંગે પણ રિપોર્ટ મંગાવીને ચકાસણી કરવામાં આવશે.'

શિક્ષણ જગતમાં વ્યાપેલા આ વ્યાપારીકરણ સામે વાલીઓ અને સંગઠનોના આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ મોટી કાર્યવાહી કરે તેવી શક્યતા છે.