Gujarat

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી

By GS TEAM
15 Feb 20262 mins read
પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી

અમદાવાદ,રવિવાર

શહેરના પીરાણા ચાર રસ્તા પાસે પીસીબીના સ્ટાફે બાતમીના આધારે ટ્રાફિક રોકીને દારૂનો જથ્થો લઇને જતા બુટલેગરને પકડવા જતા તેણે કાર લઇને નાસવા જતા અકસ્માત કર્યો હતો. જો કે પોલીસે ઝડપીને ૯૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બારેજાથી દારૂનો જથ્થો લઇને યુવકને શાહીબાગ-અસારવામાં રહેતા બુટલેગરને સપ્લાય કરવા માટે જતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નારોલ-વિશાલા હાઇવે પરથી એક વ્યક્તિ કારમાં દારૂનો મોટો જથ્થો લઇને પીરાણા ચાર રસ્તાથી જમાલપુર તરફ જવાનો હોવાની બાતમી પીસીબીના પીઆઇ જે પી જાડેજાને મળી હતી.  જેના આધારે શનિવારે રાતના સાડા બાર વાગ્યાના સુમારે પીરાણા સર્કલ પર વોચ ગોઠવીને નારોલ તરફથી આવી રહેલી શંકાસ્પદ કારચાલકને પકડવા માટે  પોલીસે ટ્રાફિક રોકાવીને ચોક્કસ નંબરની કારના ચાલકને બહાર આવવાની સુચના આપી હતી. પરંતુ, તેણે કારને શરૂ કરીને નાસી જવા માટે  પ્રયાસ કર્યો હતો. પંરતુ, કારને ડમ્પર સાથે અકસ્માત થતા કારચાલકે ઉતરીને ભાગવા જવાની કોશિષ કરી હતી.  જો કે પોલીસે તેને ઝડપીને તપાસ કરતા કારમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ અંગે પોલીસે પુછપરછ કરતા જાણવા યુવકનું નામ રવિ વછેટા (રહે. આરતીનગર, નારોલ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું કે વિપુલ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો કારમાં ભરીને આપ્યો હતો અને જે શાહીબાગમાં રહેતા વિક્રમ ઝાલા  અને અમીયા નામના બે બુટલેગરને દારૂનો જથ્થો સપ્લાય કરવાનો હતો. જેથી જમાલપુર થઇને શાહીબાગ જવાનો હતો. રવિ વછેટા વિરૂદ્ધ  પ્રોહીબીશનના આઠ જેટલા ગુના નોંધાઇ ચુક્યા  હતા અને બે વાર પાસાની સજા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.