Get The App

ઓઢવ ફેક્ટરી આગ દુર્ઘટના: માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ, FSL તપાસમાં બેદરકારી છતી

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ઓઢવ ફેક્ટરી આગ દુર્ઘટના: માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ, FSL તપાસમાં બેદરકારી છતી 1 - image

Odhav Plastic Factory Fire Accident: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 દિવસ પહેલા મધરાતે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આગની ઝપેટમાં આવી જવાથી એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ ઓઢવ પોલીસે કંપનીના માલિક પિતા-પુત્ર સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહોતા અને કટોકટીના સમયે બહાર નીકળવા માટે ઈમરજન્સી એક્ઝિટ ગેટ કે અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી કર્મચારી આગમાં ફસાઈ ગયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.

ઓઢવમાં ફાયર સ્ટેશન પાછળ આવેલી 'અંબિકા પ્લાસ્ટિક' કંપનીમાં પ્લાસ્ટિકના ગઠ્ઠા કાપવાની મજૂરી કરતા આધેડે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નિકોલ કેનાલ પાસે રહેતા કંપનીના માલિક અરુણભાઈ તથા તેમના પુત્ર સામે ગુનો નોંધાવતા જણાવ્યું છે કે, 12-06-2026ના રોજ મધરાતે કોઈ અજ્ઞાત કારણોસર તેમની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ વિકરાળ આગમાં ફસાઈ જવાને કારણે ત્યાં કામ કરતા કર્મચારીનું ગૂંગળામણ થવાથી અને આખું શરીર દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ કેસમાં ઓઢવ પોલીસે ફાયર બ્રિગેડ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, કંપનીના માલિકો દ્વારા પ્લાસ્ટિક ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો વસાવવામાં આવ્યા નહોતા. તેમજ ફેક્ટરીમાં એક્ઝિટ ગેટ કે અન્ય કોઈ સુરક્ષિત રસ્તો ન હોવાના કારણે કર્મચારી આગની જ્વાળાઓ વચ્ચે સપડાઈ ગયો હતો, જે આખરે તેના મોતનું કારણ બન્યું હતું.