Get The App

'માલસામાન પર નવી તારીખ છાપો છો..', કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતું

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
'માલસામાન પર નવી તારીખ છાપો છો..', કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતું 1 - image

Ahmedabad Bribe Case: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને પોલીસ વિભાગના લાંચિયા કર્મચારીઓનો પર્દાફાશ કર્યો છે. કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશભાઈ રાવલ અને તેમની સાથેના બે GRD કર્મીઓ રૂ. 30,000ની લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે. ACBએ આ સમગ્ર ઓપરેશન ટોલ ફ્રી નંબર 1064ના માધ્યમથી મળેલી ફરિયાદના આધારે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

'તમે માલસામાન પર નવી તારીખ છાપી વેચો છો'

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ધામતવાણ વિસ્તારમાં કોસ્મેટિક ચીજવસ્તુઓની ફેક્ટરી ધરાવતા એક જાગૃત નાગરિકને ધમકાવીને આ લાંચ માંગવામાં આવી હતી. ગત 14 મેના રોજ આરોપી ASI ભાવેશભાઈ રાવલ, GRD સભ્ય કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટ અને રણજીત સોલંકી ફેક્ટરી પર પહોંચ્યા હતા. તેમણે વેપારીને 'તમે માલસામાન પર નવી તારીખ છાપીને એક્સપાયર થયેલો માલ વેચો છો' તેમ કહી કેસ કરવાની અને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. કેસ રફેદફે કરવા માટે શરૂઆતમાં રૂપિયા બે લાખની મોટી રકમ માંગવામાં આવી હતી, પરંતુ લાંબી રકઝકના અંતે રૂ. 30,000 આપવાનું નક્કી થયું હતું.

'માલસામાન પર નવી તારીખ છાપો છો..', કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતું 2 - image

વેપારીએ ACBનો સંપર્ક કર્યો, છટકું ગોઠવાયું અને પકડાયા

વેપારી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ જાગૃત નાગરિક તરીકે ACBનો સંપર્ક કર્યો હતો. વેપારીની ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACBની ટીમે 16 મે 2026ના રોજ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં એક મજબૂત છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન મુખ્ય આરોપી ASI ભાવેશભાઈ રાવલે ફરિયાદીને ફોન કરીને લાંચના નાણાં GRD કર્મી કમલેશ ઉર્ફે રોબર્ટને આપી દેવા જણાવ્યું હતું. કમલેશ ઉર્ફે રોબર્ટે ફરિયાદીની કારમાં બેસીને લાંચની હેતુલક્ષી વાતચીત કરી રૂ. 30,000ની રકમ સ્વીકારતા જ ગુપ્ત રીતે ગોઠવાયેલી ACBની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.

આ પણ વાંચો: 'લાલો' ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- 'મારો મોબાઈલ હેક થયો હતો', કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ

ACBની આ કાર્યવાહીમાં ત્રીજો આરોપી રણજીત સોલંકી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ એજન્સીએ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાંચની તમામ રકમ (રૂ. 30,000) પણ રિકવર કરી લેવામાં આવી છે. પોલીસ વિભાગના જ કર્મચારીઓ દ્વારા કાયદાનો ડર બતાવી વેપારીઓ પાસેથી ઉઘરાણી કરવાના આ કિસ્સાએ ચકચાર જગાવી દીધી છે.