Gujarat

અમદાવાદ મ્યુનિ.સંચાલિત સ્મશાનમાં ગંદકી જોવા મળશે તો કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

By GS TEAM
12 Nov 20251 min read
અમદાવાદ મ્યુનિ.સંચાલિત  સ્મશાનમાં ગંદકી જોવા મળશે તો કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

 અમદાવાદ,બુધવાર,12 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના અલગ અલગ વિસ્તારમાં ૨૫ થી વધુ સ્મશાન આવેલા છે. આ પૈકી કેટલાક સ્મશાનમાં સફાઈ નહીં થતી હોવા બાબતે હેલ્થ કમિટીની બેઠકમાં રજૂઆત થતા કોઈપણ સ્મશાનમાં ગંદકી જોવા મળે તો જે તે સ્મશાનના કોન્ટ્રાકટરને નોટિસ આપવા નિર્ણય લેવાયો છે. અમુક સ્મશાનમા તો લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટર જ સફાઈ પણ કરતા હોવાનુ કમિટીના ધ્યાન ઉપર મુકવામા આવ્યુ હતુ.

ઓઢવ સ્મશાનગૃહ ખાતે બનેલી ઘટના પછી પહેલી વખત મળેલી કોર્પોરેશનની હેલ્થ કમિટીની બેઠકમાં શહેરના સ્મશાનોની હાલતનો મુદ્દો ચર્ચામા રહયો હતો.કમિટીના ચેરમેન જશુભાઈ ચૌહાણે કહયુ, ઓઢવ સ્મશાનના કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાની ફાઈલ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીમા પડી છે.કમિશનરે સાત ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને તેમના ઝોનમા આવેલા સ્મશાનોની શુ હાલત છે એ અંગે સુપરવિઝન કરવાની સુચના આપી હતી.સુપરવિઝનના  સામે આવેલા તારણ પ્રમાણે કેટલાક સ્મશાનમા સફાઈ નિયમિત થતી નથી અને ગંદકી જોવા મળે છે.નોંધનીય બાબત એ છે કે, અધિકારીઓ ગેરહાજર રહેતા બુધવારે મળનારી હોસ્પિટલ કમિટીની બેઠક મળી નહોતી.કમિટીના તમામ કામ નેકસ્ટ કરવામા આવ્યા હતા.