Get The App

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે

રોટેશન મુજબ મેયર ઓ.બી.સી. ઉમેદવારમાંથી પસંદ કરાશે,હિતેશ બારોટ, ધરમશી દેસાઈ પ્રબળ દાવેદાર

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે 1 - image

અમદાવાદ,સોમવાર,27 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આજે મંગળવાર બપોર સુધીમાં જાહેર થઈ જશે.આ સાથે જ નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં બોલાવાશે. આ બેઠકમાં જ મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પણ કરવામા આવશે.સતત પાંચમી વખત અમદાવાદમાં ભાજપ સત્તાના સૂત્રો પ્રાપ્ત કરશે એવી પ્રબળ સંભાવના વ્યકત કરાઈ રહી છે. રોટેશન મુજબ, નવી ટર્મના પહેલા અઢી વર્ષ માટે મેયર ઓ.બી.સી. વર્ગના હશે. મેયર પદના પ્રબળ દાવેદાર તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને પૂર્વ એ.એમ.ટી.એસ.ચેરમેન ધરમશી દેસાઈના નામ સૌથી આગળ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા જાહેર થનારા તમામ ૧૯૨ ઉમેદવારો  તે જે વોર્ડમાંથી ચૂંટણી જીત્યા હોય તે અંગેનુ સર્ટિફિકેટ કલેકટર કચેરીમાંથી મેળવી મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ જમા કરાવવા પડશે.નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક બોલવવા અંગે મ્યુનિસિપલ સેક્રેટરી અરુણ પંડયાએ કહયુ,સામાન્ય રીતે પંદર દિવસનો સમય ધ્યાનમા લેવામા આવતો હોય છે. આમ છતાં જેમ બને તેમ વહેલુ બોલાવવાનુ થાય તો પરિણામ જાહેર થયાના દસ દિવસની અંદર પહેલુ બોર્ડ બોલાવી શકાય.આમ લગભગ ૧૩ મેની આસપાસ વર્ષ-૨૦૨૬થી ૨૦૩૧ સુધીની મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મ માટેની પહેલી બોર્ડ બેઠક મળવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.આ બેઠકમાં શહેરના મેયર ઉપરાંત ડેપ્યુટી મેયરની પણ વરણી કરવામા આવતી હોય છે.આ વખતે રોટેશન મુજબ ડેપ્યુટી મેયર પદ ઉપર મહિલાની વરણી કરવામા આવશે. ડેપ્યુટી મેયર બનવાની રેસમાં અસારવા વોર્ડના ભાજપના અનસુયા પટેલ ઉપરાંત લાંભા વોર્ડના ડોકટર ચાંદની બેન પટેલ સૌથી આગળ છે.