અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના AD.M.O.H. ભાવિન જોષી હવે ડેઝીગ્નેટેડ ઓફિસર નહીં

અમદાવાદ,શુક્રવાર,17 ઓકટોબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છ વર્ષથી ડેઝીગ્નેટેડ
ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોકટર ભાવિન જોષીની ડેઝીગ્નેટેડ ઓફિસર તરીકેની નિમણૂંક રદ
કરાઈ છે.મ્યુનિસિપલ કમિશનરે શુક્રવારે સવારે અચાનક જ આ ઓર્ડર કરી ડેઝીગ્નેટેડ
ઓફિસર તરીકેનો ચાર્જ ડોકટર તેજસ શાહને સોંપવાનો નિર્ણય કરતા કોર્પોરેશનના હેલ્થ
વિભાગમાં સોંપો પડી ગયો હતો.
વર્ષ-૨૦૧૯માં રાજય સરકારના કમિશનર ઓફ ફુડ સેફટી દ્વારા
કોર્પોરેશનના હેલ્થ વિભાગમા ફરજ બજાવતા ભાવિન જોષીનીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
હદ વિસ્તાર માટે ડેઝીગ્નેટેડ ઓફિસર તરીકે નિમણૂંક કરવામા આવી હતી. કોર્પોરેશન
દ્વારા તેમને ફુડ વિભાગની જવાબદારી સોંપવામા આવી હતી. મ્યુનિસિપલ કમિશનર શરુઆતથી જ
ભાવિન જોષીની નબળી કામગીરીને લઈ નારાજ હતા. દર બુધવારે કમિશનરની અધ્યક્ષતામા મળતી
કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમા પણ કમિશનરે તેમને શહેરના વિવિધ
વિસ્તારોમાં વેચાતા ખાદ્યપદાર્થોના ઓછા લેવામા આવતા સેમ્પલ લેવાની બાબતમાં ઠપકો આપ્યો હતો.આમ છતાં
તેમની કામગીરીમાં તેમણે કોઈ સુધારો કર્યો નહોતો.મ્યુનિસિપલ કમિશનરે એડીશનલ
એમ.ઓ.એચ. ભાવિન જોષીને તેમની અગાઉની મૂળ કામગીરી રજિસ્ટાર બર્થ અને ડેથ અને
સુપ્રિટેન્ડન્ટ ઓફ વેકસીન ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવવા હુકમ કર્યો છે.ડોકટર તેજસ
શાહને ઈન્ચાર્જ એડીશનલ એમ.ઓ.એચ. તરીકે ફુડ
વિભાગ સહીત અન્ય વિભાગ સોંપાયા છે.









