અમદાવાદ: મેટ્રોમોનિયલ સાઇટ પર ડાયવોર્સી કહી યુવતીને જાળમાં ફસાવી, સિંદૂર ભરી હોટલમાં આચર્યું દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદની મેટ્રોમોનિયલ સાઇટ્સ પર જીવનસાથી શોધતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પોતાની જાતને છૂટાછેડા લીધેલ હોવાનું જણાવી એક યુવકે બે બાળકોની માતા અને ડાયવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મંદિરમાં માંગ ભરી લગ્નનો વિશ્વાસ અપાવી યુવકે હોટલમાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, યુવકે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા જ્યારે યુવતી તેના સુરત સ્થિત ઘરે પહોંચી ત્યારે યુવક પરિણિત અને બે બાળકોનો પિતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
મેટ્રોમોનિયલ સાઇટ પરથી શરૂ થયો હતો પરિચય
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી અને અગાઉ છૂટાછેડા લઈ ચૂકેલી એક યુવતીએ વર્ષ 2025માં પુનઃ લગ્ન માટે એક મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ અપલોડ કરી હતી. આ દરમિયાન સુરતના કતારગામ વિસ્તારના પ્રકાશ ડોંડા નામના યુવકે તેનો સંપર્ક કર્યો હતો. પ્રકાશે પોતે પણ ડાયવોર્સી હોવાનું અને વર્ષ 2022માં તેના છૂટાછેડા થઈ ગયા હોવાની ખોટી માહિતી આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી.
મંદિરમાં સિંદૂર ભરી હોટલમાં બાંધ્યા શારીરિક સંબંધ
બંને વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થયો હતો. પ્રથમ વખત તેઓ અમદાવાદના કાંકરિયા ખાતે મળ્યા હતા. ત્યારબાદ યુવતી પણ પ્રકાશને મળવા સુરત ગઈ હતી, જ્યાં પ્રકાશે તેને પોતાનું ઘર બતાવ્યું હતું. સંબંધો આગળ વધતા પ્રકાશે લગ્નની ખાતરી આપી હતી અને બંને વિસનગરના એક મંદિરે ગયા હતા, જ્યાં પ્રકાશે યુવતીની માંગમાં સિંદૂર ભરી તેને પત્ની તરીકે સ્વીકારી હોવાનો ઢોંગ કર્યો હતો. ત્યારબાદ પ્રકાશે અમદાવાદની શાહીબાગ વિસ્તારની હોટલમાં યુવતીને લઈ જઈને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
સુરત ઘરે પહોંચતા જ સામે આવી અસલી પત્ની
થોડા સમય બાદ પ્રકાશે અચાનક જ યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી શંકા જતાં યુવતી સીધી સુરત ખાતે પ્રકાશના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે પ્રકાશ ત્યાં તેની અસલી પત્ની અને બે બાળકો સાથે આખું ઘર વસાવીને રહેતો હતો. યુવતીને અચાનક ઘરે આવેલી જોઈને પ્રકાશ ઘરમાં સંતાઈ ગયો હતો. આ દરમિયાન યુવતી અને પ્રકાશની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો હતો.
માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા, ભોગ બનનાર યુવતીએ અંતે અમદાવાદ પરત ફરી માધવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશ ડોંડા સામે લગ્નની ખોટી લાલચ આપીને દુષ્કર્મ આચરવા બદલ ગુનો નોંધાવ્યો છે. માધવપુરા પોલીસે યુવતીની ફરિયાદના આધારે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ તેજ કરી છે.








