Get The App

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું 1 - image

Fake AMC officer land scam Ahmedabad: અમદાવાદ શહેરની આસપાસની ખેતીની જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ ખેડૂતોને ડરાવવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારી તરીકે ઓળખ આપીને જમીન પર સર્વે કરવાના નામે વીડિયો શૂટિંગ કરનાર વિનય ચૌધરી નામના વ્યક્તિની એક જાગૃત ખેડૂતે પોલ ખોલી દીધી હતી. આ મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચતાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામમાં આવેલા એક ખેતરમાં થોડા દિવસ પહેલાં રાતના સમયે એક વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકે ઓળખ આપીને આવ્યો હતો. ખેડૂતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, કોર્પોરેશન આ જમીન સમતળ અને સાફ-સફાઈ કરીને ફેન્સિંગ કરવાનું હોવાથી આ સર્વે કરવામાં આવી રહ્યો છે. જોકે, ખેડૂતે આ જમીન પોતાની માલિકીની હોવાનું જણાવતાં તે વ્યક્તિએ દાદાગીરી શરૂ કરી હતી.

પરંતુ, જ્યારે ખેડૂતે તેની પાસે ઓળખપત્ર માંગ્યું, ત્યારે તે વ્યક્તિ ધમકી આપીને ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, કેટલાક ભૂમાફિયાઓ આ જમીન પચાવી પાડવા માટે અગાઉ પણ પ્રયાસ કરી ચૂક્યા હતા. તેમની સાથે કામ કરતો વિનય ચૌધરી નામનો આ શખ્સ ખેડૂતને ડરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી અધિકારી તરીકે આવ્યો હતો, જેથી ખેડૂત આ જમીન વિવાદાસ્પદ હોવાનું માનીને ડરી જાય અને સસ્તામાં જમીનનો સોદો કરી લે. ભૂમાફિયાઓ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના નામે ખેડૂતોને ધમકાવવાનું આ કૌભાંડ સામે આવતાં જ પોલીસ વિભાગ અને કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેના આધારે હાલ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરાઈ છે.