Get The App

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી 1 - image

Ahmedabad Heatwave Alert: ઉનાળાના આકરા મિજાજ વચ્ચે અમદાવાદમાં હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં આજથી સતત સાત દિવસ માટે ગરમીનું 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં શહેરનું તાપમાન વધીને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે અમદાવાદીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડશે.

76 વિસ્તારો 'હોટસ્પોટ' જાહેર

IMDના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સેટેલાઇટ ડેટા અને આધુનિક ટૅક્નોલૉજીની મદદથી શહેરના કુલ 76 વિસ્તારોને 'હીટ હોટસ્પોટ્સ' તરીકે જાહેર કર્યા છે. પૂર્વ અમદાવાદમાં લાંભા વૉર્ડમાં સૌથી વધુ 12 હોટસ્પોટ્સ નોંધાયા છે. આ ઉપરાંત વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.

ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો ડબલ ડોઝ

રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલે મતદાનના દિવસે પણ ગરમી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારો અને કાર્યકરોને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રની ગાઇડલાઇન: શું કરવું અને શું ન કરવું?

AMCના  હેલ્થ ડિપાર્ટમેન્ટે નાગરિકો માટે ખાસ ઍડ્વાઇઝરી જાહેર કરી છે:

સાવચેતી: બપોરે 12થી 4 દરમિયાન કામ વગર બહાર નીકળવાનું ટાળવું. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બહાર જતી વખતે છત્રી, ટોપી કે રૂમાલનો ઉપયોગ કરવો.

હાઇડ્રેશન: તરસ ન લાગે તો પણ પૂરતા પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત કે નાળિયેર પાણી પીતા રહેવું.

ખોરાક: વાસી ખોરાક અને વધુ પડતા પ્રોટીનયુક્ત આહારથી બચવું. ચા-કોફી અને સોડાનું પ્રમાણ ઘટાડવું.

વિશેષ કાળજી: નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની ખાસ સંભાળ રાખવી.

જો માથામાં દુખાવો, ચક્કર આવવા કે ઉબકા જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હૉસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. 

રાજકોટ 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

સમગ્ર રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીના સંકેતો મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. મંગળવારે(21 એપ્રિલ, 2026) રાજકોટ 41.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આ ઉપરાંત, અમરેલીમાં પણ તાપમાન 40.9 ડિગ્રી સુધી પહોંચતા લોકો ગરમીથી અકળાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’!

અન્ય શહેરોની વાત કરીએ તો, વડોદરા અને ડીસામાં 39.6 ડિગ્રી, જ્યારે ભુજમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે, જેમાં વેરાવળમાં 31.3 ડિગ્રી અને દ્વારકામાં 30.5 ડિગ્રી તાપમાન રહેતા લોકોને રાહત મળી હતી. રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ જ શક્યતા ન હોવાથી અને સૂકા પવનો ફૂંકાવાને કારણે ગરમી અને શુષ્ક વાતાવરણનું જોર આગામી દિવસોમાં હજુ વધશે તેવી સંભાવના છે.