Get The App

વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ 1 - image


Ahmedabad Family Kidnap In Africa: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો ચાર સભ્યોનો એક પરિવાર ગેરકાયદે રીતે લંડન જવાના પ્રયાસમાં આફ્રિકામાં અપહરણકારોનો શિકાર બન્યો છે. આ પરિવારમાં પતિ-પત્ની અને તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. તેઓએ વ્યક્તિ દીઠ 25 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી કરીને એક ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો હતો. 

પુત્રી શ્રેયા સાથે અંતિમ સંપર્ક 

તેમની યાત્રા 20  એપ્રિલના રોજ શરૂ થઈ હતી, જેમાં તેઓ દિલ્હી, શ્રીલંકા અને દુબઈ થઈને ઇથોપિયા જવા રવાના થયા હતા. દુબઈથી જ એજન્ટની વર્તણૂક શંકાસ્પદ જણાતી હતી, અને ઇથોપિયાની ફ્લાઇટ પકડતા પહેલા પરિવારનો તેમની પુત્રી શ્રેયા સાથે અંતિમ સંપર્ક થયો હતો, ત્યારબાદ તેઓ અચાનક લાપતા બન્યા હતા.

1.20 કરોડ રૂપિયાની ખંડણી

પરિવારના લાપતા થયા બાદ, અમદાવાદમાં રહેતી તેમની પુત્રી શ્રેયાને ઓસ્ટ્રેલિયાના નંબર પરથી 'ખાન બાબા' નામના અપહરણકારનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે પરિવારને કેન્યાના જંગલમાં ગોંધી રાખવામાં આવ્યો છે અને તેમને મુક્ત કરવા માટે 1.20 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે.

અપહરણકારોએ ભાઈનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો

પરિવારને ડરાવવા માટે અપહરણકારોએ શ્રેયાના મોટા ભાઈનો લોહીથી લથપથ ફોટો પણ મોકલાવ્યો હતો. અપહરણકારે ક્રૂરતાપૂર્વક એવી પણ બડાઈ મારી હતી કે અગાઉ તેણે એક ધારાસભ્યના પુત્ર અને માણસાના એક પરિવાર પાસેથી પણ કરોડો રૂપિયા પડાવ્યા છે અને કોઈ પોલીસ તેને રોકી શકશે નહીં.

વલસાડના 'મિસ્ત્રી' નામના ટ્રાવેલ એજન્ટની સંડોવણી

આ ગંભીર ઘટના અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યની દરમિયાનગીરી બાદ પોલીસ તપાસ સઘન બનાવવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ શ્રેયાને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં વલસાડના 'મિસ્ત્રી' નામના ટ્રાવેલ એજન્ટની સંડોવણી સામે આવી છે. જો કે ડીલ મુજબ પરિવાર લંડન પહોંચે અને આશ્રયની પ્રક્રિયા શરૂ કરે ત્યારબાદ જ પૈસા આપવાના હોવાથી એજન્ટને હજુ સુધી કોઈ રકમ ચૂકવાઈ ન હતી. હાલમાં ઓથોરિટી આ આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ સિન્ડિકેટને પકડવા અને પરિવારને સુરક્ષિત બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.