Rajkot

મહિલાનું શારીરિક શોષણ કરી ફોટા અને મોબાઇલ નંબર વાયરલ કર્યા

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડના રાહુલ દવેરા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ જણાવ્યું કે, આરોપીએ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં ફોટા અને મોબાઇલ નંબર વાયરલ કરી દેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલાનું શારીરિક શોષણ કરી ફોટા અને મોબાઇલ નંબર વાયરલ કર્યા

150 ફૂટ રીંગ રોડ પર રહેતા આરોપી વિરુદ્ધ ફરિયાદ

મહિલાએ શરૂઆતમાં આરોપીને ભાઇ ગણાવ્યો હતો, આમ છતાં આરોપીએ પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધાર્યું કર્યું

રાજકોટ: રાજકોટમાં રહેતી એક મહિલાને ધાકધમકી અને લગ્નની લાલચ આપી તેની સાથે આરોપી રાહુલ દવેરા (રહે. આંબેડકરનગર શેરી નં.૯, ૧૫૦ ફૂટ રીંગ રોડ)એ અવારનવાર શરીરસંબંધ બાંધી તેના ફોટાં અને મોબાઇલ નંબર વાયરલ કરી નાંખ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી પતિથી અલગ થઇ પુત્ર સાથે રહે છે. ૨૦૨૪ની સાલમાં એક પરિચીત મહિલા મારફત આરોપીના ભાઇ દીપકના સંપર્કમાં આવતા તેને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ આરોપીએ તેને મારા ભાઇ દીપકને કેમ ફોન કરશ તેમ પુછતાં તેનો જવાબ આપી તું પણ મારો ભાઇ છો તેમ કહ્યું હતું.
ત્યાર પછી આરોપી અવારનવાર તેને કોલ કરી તેના ઘરે આવવાની વાત કરતો હતો. ૨૦૨૪ની સાલમાં મોડી રાત્રે આરોપી તેના ઘરે દિવાલ ટપી આવ્યો હતો. જેથી આરોપીના ભાઇ દીપકને ફરિયાદ કરતા તેણે સમજાવટ કરી હતી. આમ છતાં આરોપી સમજ્યો ન હતો. એક દિવસ આરોપીએ હું જેમ કહું તેમ કરવા દે નહીંતર તારા પુત્રને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.
તેના બે મહિના બાદ આરોપીએ તેને સાચવવાની વાત કરી હતી. જેથી પુત્રને માતાના ઘરે મુકી આરોપી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન આરોપીએ અવારનવાર શરીરસંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં બાદમાં પોતાના ઘરે પણ રહેવા માટે લઇ ગયો હતો. જ્યાં પણ અનેકવાર શરીરસંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન અવારનવાર મારકુટ પણ કરતો હોવાથી માવતરે જતી રહી હતી.
ત્યાર પછી પણ આરોપીએ ફોન કરી હેરાનગતી ચાલું રાખી હતી. આખરે બંનેએ છુટા થયાનો સમજુતી કરાર કર્યો હતો. તેમ છતાં આરોપી તેના ફોટાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. થોડા દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિએ તેને કોલ કરતાં કોણે નંબર આપ્યો તેમ પુછતાં આરોપીએ તેના મોબાઇલ નંબર અને ફોટાં ઇન્સ્ટા આઇડીમાં આપી વાયરલ કર્યાની માહિતી મળતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.