Duplicate Ghee: અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. આજે તારીખ 8 જૂન 2026ના રોજ AMCના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં તપાસ દરમિયાન શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ અંદાજે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સીઝ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 31,81,273 રૂપિયા છે.
સુપર સ્ટોકિસ્ટને ત્યાં 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી
AMCની ટીમે ઇન્દ્રપુરી વિસ્તારમાં લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પૂર્વદીપ સોસાયટી પાછળ, સીટીએમ ખાતે આવેલી જગ્યાની તપાસ કરી હતી. આ સ્થળે અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર 'રિધમ કાઉ ઘી' અને 'વચનામૃત કાઉ ઘી'ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 21,31,785 થાય છે.
નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા
ફૂડ સેફ્ટી અધિકારીઓએ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ “રિધમ કાઉ ઘી” તથા “વચનામૃત કાઉ ઘી”ના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. સાથે જ સ્થળ પર રહેલો સમગ્ર જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો છે અને એકમને સીલ કરી દેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામના ઓડે-પીરાણા રોડ ખાતે આવેલા પ્લોટ નંબર 53માં સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

અન્ય બે વિતરકો પર પણ તવાઈ
તપાસ દરમિયાન AMCને અમદાવાદ શહેરમાં આ જ ઉત્પાદનોના અન્ય બે વિતરકો અંગે પણ માહિતી મળી હતી. જેમાં વટવા સ્થિત વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વર સ્થિત ત્રિશાલા એજન્સીનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ AMC દ્વારા અલગ-અલગ ટીમોને બંને સ્થળોએ મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બંને સ્થળોએથી આશરે 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 10,49,488 થાય છે.
આમ, AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએ કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યું છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 31,81,273 થાય છે. લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ સંબંધિત વેપારીઓ અને જવાબદારો સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


