Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામેથી હત્યાની ઘટના સામે આવી છે. વૌઠા ગામે સામાન્ય બાબતમાં શરૂ થયેલી કૌટુંબિક બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, સગા ભત્રીજાએ ગુસ્સામાં અંધ થઈને પોતાના જ ફુવાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. આ હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.
સામાન્ય બોલાચાલી હત્યામાં પલટાઈ
મળતી માહિતી અનુસાર, વૌઠા ગામે રહેતા પ્રતાપ પુરબિયા નામના યુવકને તેના ફુવા ગણપત વાઘેલા સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો એટલો વધી ગયો કે આવેશમાં આવી ગયેલા ભત્રીજા પ્રતાપે ઘરમાં રહેલું તીક્ષ્ણ હથિયાર ઉઠાવી લીધું હતું. ગુસ્સા પરનો કાબૂ ગુમાવી ચૂકેલા પ્રતાપે તેના ફુવા ગણપત વાઘેલા પર હથિયાર વડે આડેધડ અને જીવલેણ વાર કરવાનું શરૂ કરી દીધું હતું.
ભત્રીજા દ્વારા કરાયેલા ઉપરાછાપરી ઘાના કારણે ગણપત લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હસતા-રમતા પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું.
હત્યારો ભત્રીજો ગણતરીના કલાકોમાં ઘરપકડ
કૌટુંબિક હત્યાના આ બનાવની જાણ થતાં જ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, ગુનો આચરીને ભાગી છૂટેલા હત્યારા ભત્રીજા પ્રતાપ પુરબિયાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ તેને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


