Stock Market Scam In Ahmedabad: અમદાવાદમાં શેરબજારમાં 15થી 20 ટકાના ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર પરીખ અને તેના મળતિયાઓએ ડમી એપ્લિકેશન, બોગસ લેટરપેડ અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને અનેક લોકો સાથે અંદાજે 32 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ગઈકાલે (આઠમી એપ્રિલ) એક કંપનીના માલિક સાથે 1.07 કરોડ રૂપિયા અને અગાઉ અન્ય એક વેપારી સાથે 4 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાયા બાદ પોલીસે મિહિર પરીખ તેની પત્ની અને માતા ધરપકડ કરી લીધી છે. હાલમાં સેટેલાઈટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા આ કૌભાંડની તપાસ અને નવી ફરિયાદો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં શેરબજારમાં 15થી 20 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપીને એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર જીતેન્દ્ર પરીખ અને તેના અન્ય ત્રણ ભાગીદારોએ એક કંપનીના માલિક વિવેક અગ્રવાલ અને તેમની પત્ની સાથે 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીએ દંપતીને વિશ્વાસમાં લઈને તેમના મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવડાવી કુલ 1.34 કરોડ રૂપિયા પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ રોકાણના પુરાવા તરીકે પ્રખ્યાત બ્રોકરેજ કંપનીના બોગસ લેટરપેડ અને ખોટા પીડીએફ સ્ટોક લેજરો પધરાવી દીધા હતા.
ભોગ બનનારને બ્રોકરેજ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં તેનું કોઈ ખાતું જ નથી અને આરોપીઓએ આપેલા સિક્યુરિટી ચેક પણ બેન્કમાં બાઉન્સ થયા હતા. આખરે આરોપીઓએ 26.49 લાખ રૂપિયા પરત કરીને બાકીના 1,07,50,727 રૂપિયા પોતે વાપરી નાખ્યા હતા. જે બાદ આઠમી એપ્રિલના રોજ ભોગ બનનાર માલિક વતી તેમના ઓપરેશન મેનેજર નીતિનસિંહે આ અંગે મિહિર પરીખ સહિત 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
બોગસ લેટરપેડ અને ડમી એપ
12મી માર્ચ 2026ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મિહિર જીતેન્દ્ર પરીખ સામે 4.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં અમદાવાદના વેપારી મહેન્દ્ર પટેલ અને તેમના પરિવાર સાથે એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર પરીખ, ધારાબેન પરીખ, ગીતાબેન પરીખ અને હેમરાજસિંહ રાણાએ શેરબજારમાં રોકાણ કરી સારા વળતરની લાલચ આપીને કુલ 5,30,00,000 રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી. આરોપીઓએ આ રકમ શેરબજારમાં રોકવાના બદલે પોતે જ વાપરી નાખી હતી અને ફરિયાદીને પોતાની ડમી એપ્લિકેશન તથા ખોટા લેઝર સ્ટેટમેન્ટ બનાવીને ગેરમાર્ગે દોર્યા હતા. જ્યારે ફરિયાદીએ પોતાના રૂપિયા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ ટુકડે-ટુકડે 2,72,93,930 રૂપિયા પાછા આપ્યા હતા, પરંતુ બાકીની રકમ અને બતાવેલા નફા સાથેના કુલ 4,04,06,070 રૂપિયા પાછા આપ્યા નહતા.
તપાસ એજન્સીઓ એક્શનમાં
આ કૌંભાડ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'મિહિર પરીખ સામે 4 કરોડ 36 લાખની છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બીજી સાત અરજીઓ પર તપાસ ચાલી રહી છે. હાલમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન, ઈ.ઓ.ડબલ્યુ. અને ક્રાઈમ બ્રાન્ચમાં મળીને કુલ 32 કરોડ જેવી રકમની તપાસ હેઠળ છે. આ કેસમાં આરોપી મિહિર પરીખ છે, જે લાયન્સ ક્લબનો મેમ્બર પણ છે. તેની સામે ગત આઠમી એપ્રિલે 1 કરોડ 34 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે.'
મિહિર પરીખની ધરપકડ અંગે PIએ જણાવ્યું કે, 'મિહિર પરીખની ધરપકડ કરી લીધી છે અને તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે; તેની સાથે જ તેની માતા અને પત્નીને પણ અમે પકડી લીધા છે. આ માણસ એક રીઢો ચીટર અને હાર્ડકોર ગુનેગાર છે, જે બધાને એલઆઈસીના ખોટા મ્યુચ્યુઅલ સર્ટિફિકેટ આપીને છેતરતો હતો. હજુ તો તેની સામે બીજી પાંચેક ફરિયાદો દાખલ હજુ થઈ શકે છે.' આ મામલે EoWના ACPએ જણાવ્યું કે, 'અત્યારે અમારી પાસે માત્ર એક જ અરજદાર છે. આ ફ્રોડ કેટલા કરોડનું છે તે અંગે તમે થોડો સમય રાહ જુઓ, બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે અમે એક બે દિવસમાં આરોપી મિહિર પરીખ સામે ફરિયાદ નોંધીશું.'


