Ahmedabad Cyber Scam: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં હવે ભણેલા-ગણેલા લોકો પણ લાલચમાં આવીને શિકાર બની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા 38 વર્ષીય યુવક સાથે 30 લાખ રૂપિયાથી વધુની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.
વોટ્સએપ મેસેજથી થઈ જાળ બિછાવવાની શરૂઆત
મળતી માહિતી અનુસાર, આ છેતરપિંડીની શરૂઆત એક અજાણ્યા વોટ્સએપ મેસેજથી થઈ હતી. ઠગોએ યુવકને ગુગલ મેપ પર હોટલ અને રેસ્ટોરન્ટના રિવ્યૂ આપવાની સરળ પાર્ટ-ટાઈમ જોબની ઓફર આપી હતી. જેમાં એક રિવ્યૂ દીઠ 50થી 100 રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં યુવકે આપેલા ટાસ્ક સામે નાની રકમ ચૂકવીને ગઠિયાઓએ તેનો વિશ્વાસ જીતી લીધો હતો.
ટેલિગ્રામ ગ્રુપ અને VIP કસ્ટમરના નામે ખેલ ખેલાયો
યુવકનો વિશ્વાસ જીત્યા બાદ તેને એક ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો. અહીં તેને રોજના 21 ટાસ્ક આપવાનું કહીને 'ઇન્વેસ્ટમેન્ટ'ના નામે રકમ પડાવવાનું શરૂ કરાયું. સૌપ્રથમ 2,000 સામે 2,630 રૂપિયા પરત આપી મોટા રોકાણ માટે પ્રોત્સાહિત કર્યો. આ દરમિયાન 13મી માર્ચથી પહેલી એપ્રિલ 2026 દરમિયાન અલગ-અલગ બહાને કુલ 30,49,000 રૂપિયા ટ્રાન્સફર કરાવાયા. અંતમાં નફો ઉપાડવા માટે 'VIP કસ્ટમર' બનવાની શરતે વધુ 16 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
જ્યારે યુવકે પોતાની જમા રકમ અને નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ વધુ ફીની માંગણી ચાલુ રાખી હતી. સતત નાણાંની માંગણી થતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે ભોગ બનનાર યુવકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


