Gujarat

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય

By GS TEAM
11 Oct 20251 min read
ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય

અમદાવાદ,શનિવાર

દિર્ઘાયુ વ્યાસ મામલે ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમ બનાવીને કરવામાં આવેલી તપાસમાં તેણે ગાંધીનગર, ખેડા અને વહેલાલમાં પોતાના સગાના નામે જમીનમાં રોકાણ કર્યાની માહિતી મળી છે. જે અનુસંધાનમાં રજીસ્ટ્રાર ઓફિસમાંથી વિગતો મંગાવવામાં આવી છે. દિર્ઘાયુ વ્યાસ કેતન નામના આઇપીએસના વહીવટદાર સાથે મળીને કૌભાંડ આચરીને અન્ય મળતિયાઓ સાથે કરોડોની જમીન ખરીદતો હોવાની ચોક્કસ માહિતી તપાસ અધિકારીઓને મળી છે.

જ્વેલર્સ સાથે ૧૦ લાખ રૂપિયાનો  તોડ કરવાના કેસની તપાસ અનુસંધાનમાં પોલીસે દિર્ઘાયુ વ્યાસના નરોડા સ્થિત મકાન પર તપાસ કરતા મળી આવેલા કારતુસ અને હથિયાર મળી આવ્યા હતા. પરંતુ, ૪૦ જેટલા રાઉન્ડ અંગે કોઇ કડી ન મળતા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ક્રાઇમબ્રાંચને દિર્ઘાયુ વ્યાસના જમીનના રોકાણ અંગે પણ વિગતો મળી છે.

જેમાં ગાંધીનગરમાં ગીફ્ટ સીટી અને આસપાસ  તેમજ ખેડા, વહેલાલમાં દિર્ઘાયુએ તેના સગાના નામે જમીનમાં રોકાણ  કર્યું હતું. પોલીસે આ પૈકી કેટલીક જમીન અંગેની વિગતો રજીસ્ટ્રાર ઓફિસમાંથી મંગાવી છે. આ ઉપરાત, તેના સગાઓના બેંક એકાઉન્ટ અને અન્ય રોકાણની માહિતી એકત્ર કરવાનું કામ પણ ક્રાઇમબ્રાંચની એક ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ દિર્ઘાયુ વ્યાસ એક આઇપીએસના કેતન નામના વહીવટદાર સાથે મળીને આ જમીન કૌભાંડ આચરતો હતો. ત્યારે જમીન કૌભાંડમાં પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ થાય તો મોટા નામ બહાર આવી શકે તેમ છે.