Gujarat

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી

By GS TEAM
29 Mar 20261 min read
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો  નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી

અમદાવાદ,રવિવાર

શહેરના વેજલપુરમાં રહેતો અને ફાર્મા કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા યુવકને શેરબજારમાં ૨૨ લાખનું રોકાણ કરાવીને તેની સામે અઢી કરોડનો નફો દર્શાવીને તે ઉપાડવા માટે બીજા ૩૧ લાખની માંગણી કરવામાં આવતા યુવકને શંકા ગઇ હતી અને વધુ પુછપરછ કરતા ગઠિયાઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વેજલપુરમાં આવેલા સુપ્રભ એપાર્ટમેન્ટમાં રહેતા સચીન કાકડ ફાર્મા કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમને થોડા દિવસ પહેલા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેની લીંક ખોલતા એક ગુ્રપમાં એડ થયા હતા. ગુ્રપમાં તેમને શેરબજાર સંબધિત માહિતી આપવામાં આવતી હતી. જેમાં કેટલાકં લોકોથી પ્રભાવિત થઇને તેમણે એકાઉન્ટ ખોલ્યું હતું.

તેમને  કંપનીના સેબી અને યુએસ સિક્યોરીટી એન્ડ એક્સચેંજ કમિશનના સિક્કાવાળા સર્ટીફિકેટ પણ મોકલ્યા હતા. જેથી ટ્રેડીંગ કંપની પર તેમને વિશ્વાસ આવ્યો હતો અને તબક્કાવાર કુલ ૨૨ લાખનું રોકાણ કર્યું હતું. માત્ર ૨૦ દિવસના ૨૨ લાખના રોકાણની સામે એપ્લીકેશનમાં અઢી કરોડનો નફો દર્શાવાયો હતો.

આ અઢી કરોડ રૂપિયા ઉપાડવાની વાત કરતા  તેમને ઇન્કમટેક્ષમાં એડવાન્સ ૩૧ લાખની રકમ ભરવાની કહેવામાં આવતા તેમને શંકા ગઇ હતી.  જેથી કોલ કરતા કંપનીના નામે વાત કરતા વ્યક્તિએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.