Fake Currency Racket In Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાતે અમરાઈવાડી વિસ્તારમાંથી કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. આ સાથે જ સુરતની એક મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી પકડાયેલી 2.38 કરોડની નકલી ચલણી નોટોની ગણતરી કરતા પોલીસને છ કલાકનો સમય લાગ્યો હતો. આ પૈકી અમદાવાદથી રૂ. 2.38 કરોડ અને રૂ. 80 લાખની ચલણી નોટો સુરતથી પકડાઈ હતી. આ નોટોની ગણતરી પૂરી થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે વિધિવત ફરિયાદ નોંધી હતી. મહત્ત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે નકલી નોટના નેટવર્કને ઝડપ્યું છે. આ તમામ આરોપી સુરતનું હોવાનું જણાતા સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરાઈ હતી.

બેંકમાં સ્કેનિંગ ના થાય ત્યાં સુધી નોટ પકડી ના શકાયઃ ડીસીપી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયનના જણાવ્યાનુસાર, આ આરોપી ચીનથી હાઈ ક્વૉલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા. આ પહેલા પણ આરોપીઓ અમદાવાદમાં ત્રણથી ચાર નાણાકીય વ્યવહાર કરી ચૂક્યા છે, જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ નોટો ત્યાં સુધી નથી પકડી શકાતી, જ્યાં સુધી બેંકના ટેબલ પર તેનું સ્કેનિંગ ના થાય.

2.38 કરોડની નકલી નોટોનો જથ્થો મળ્યો
મળતી માહિતી અુસાર,, બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.38 કરોડની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ
અમદાવાદમાં થયેલી ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા આ રેકેટના તાર સુરત સુધી લંબાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા ઉધના વિસ્તારમાં દરોડા પાડી નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને અન્ય સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્યાંથી વધુ 80 લાખની નકલી નોટો જપ્ત કરાઈ હતી. આમ, સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 2.38 કરોડની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે.


