અમદાવાદ: સરખેજમાં બિનવારસી SUV કારમાંથી લાશ મળવાનો મામલો, મૃતકની ઓળખ થઈ, બીમારીના કારણે મોતની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Body Found in Ahmedabad: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક બિલ્ડિંગ પાસે છેલ્લા આઠ મહિનાથી બંધ હાલતમાં પડેલી લક્ઝુરિયસ એસયુવી કારમાંથી અંદાજે 40 વર્ષીય અજાણ્યા શખસનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી. જોકે, આ મામલે પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ મૃતકની ઓળખ કરી લીધી છે.
કેવી રીતે થઈ મૃતકની ઓળખ?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનું નામ પ્રતાપભાઈ છે અને તેઓ શહેરના બોડકદેવ વિસ્તારના રહેવાસી હતા. પ્રતાપભાઈ ગત તારીખ 25મી માર્ચના રોજ પોતાના ઘરેથી નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ પરત ફર્યા નહોતા. આ અંગે તેમના પરિવાર દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. મૃતકના હાથ પર 'કોમલ' અને 'મિલન' નામનું ટેટૂ હોવાથી ઓળખ કરવામાં મદદ મળી હતી.
કારમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ, બે દિવસ જૂનો મૃતદેહ હોવાની આશંકા
સરખેજમાં લાંબા સમયથી પાર્ક કરેલી એક કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે કાર ખોલી ત્યારે અંદરથી અંદાજે 40 વર્ષીય પ્રતાપભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતદેહ બે દિવસ જૂનો હોવાનું જણાયું હતું.
મોતનું સંભવિત કારણ
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક પ્રતાપભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમની દવાઓ પણ ચાલતી હતી. પ્રાથમિક તબક્કે બીમારીના કારણે તેમનું અવસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, તેઓ બોડકદેવથી સરખેજ કેવી રીતે પહોંચ્યા અને બંધ કારમાં જ કેમ મળી આવ્યા, તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ અને સમય સ્પષ્ટ થશે. સરખેજ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.








