Ahmedabad Auto and Taxi Fares Rise: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના પગલે ભારતમાં પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જેની સીધી અસર અમદવાદના જાહેર પરિવહન પર પડી છે. ખાસ કરીને રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની છે.
ઓનલાઈન ટેક્સી કંપનીઓ દ્વારા પણ રાઈડ્સના ભાવમાં રૂપિયા 5થી 10નો વધારો કરી દેવાયો
પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાં અમદાવાદમાં રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની ગઈ છે. વર્ષની શરૂઆતમાં 82 રૂપિયે કિલોદીઠ મળતાં સીએનજીના ભાવમાં એપ્રિલ અને મે માસમાં ઉપરાઉપરી બે વખત વધારો કરાતા હાલ સીએનજીનો કિલોદીઠ ભાવ 86 રૂપિયાથી પણ વધુએ પહોંચ્યો છે. જેની સીધી અસર શહેરમાં રિક્ષા ભાડામાં પડી છે.
રિક્ષાભાડામાં હાલના તબક્કે 15થી 20 ટકા વધારો કરાયો છે. મહિના અગાઉ જે અંતર માટે 30 રૂપિયા ભાડું હતું તે વધારીને 35થી 40 રૂપિયા જેટલું કરી દેવાયું છે. ઓનલાઈન ટેક્સી બૂકિંગ કંપનીઓ દ્વારા પણ ભાડામાં 5થી 10 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. જેના લીધે નોકરિયાત્, મધ્યમ અને વિદ્યાર્થી વર્ગના બજેટ ખોરવાયા છે. ટૂંકા અંતર માટે વધુ ભાડું તેઓને ચૂકવવું પોસાય તેમ નથી. પરંતુ અન્ય વિકલ્પ ન મળતાં ના છૂટકે વધુ પૈસા ચૂકવવાનો વારો આવ્યો છે.
સત્તાવાર ભાડા વધારો કર્યો નથી, સરકારમાં રજૂઆત કરીશું-રિક્ષા અસોસિયેશન
ઓટો રિક્ષાચાલક વેલ્ફેર અર્સોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે, 'વાહનવ્યવહાર વિભાગે દરવર્ષે ઓટોરિક્ષાના ભાડાનો રિવ્યુ કરવાનો હોય છે. પરંતુ 2022 બાદ કોઈ રિવ્યુ કરાવામાં આવ્યો નથી. સામે સીએનજી ગેસને ભાવ, રિક્ષાના સ્પેરપાર્ટ, પાર્સિંગ/ફિટનેસ ફી, ટાયર વગેરેના ભાવમાં ભારે વધારો થયો છે. જેથી અમદાવાદના આશરે અઢી લાખ જેટલા રિક્ષાચાલકોને રોજી કમાવવી મુશ્કેલ બની છે. તેથી ભાડુ વધારવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.' હાલમાં સત્તાવાર રીતે ભાડામાં કોઈ વધારો કરાયો નથી.


