Gujarat

અમદાવાદ: ફ્લોપ શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા AMC ₹47 લાખ ખર્ચશે? ત્રણ મહિનામાં ચાર કન્સલ્ટન્સી ટીમની નિમણૂક

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શોપિંગ ફેસ્ટિવલ સીઝન-3 યોજાશે. અગાઉના ફેસ્ટિવલને અપેક્ષિત પ્રતિસાદ ન મળતાં, AMC હવે ખાનગી કન્સલ્ટન્સીનો સહારો લેશે. ચાર કન્સલ્ટન્ટની ટીમ ત્રણ મહિના કામ કરશે, જેના પાછળ GST સહિત 46.72 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ દરખાસ્ત ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે, જેનો મુખ્ય હેતુ ફેસ્ટિવલને વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ફ્લોપ શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા AMC ₹47 લાખ ખર્ચશે? ત્રણ મહિનામાં ચાર કન્સલ્ટન્સી ટીમની નિમણૂક

AMC Flop Shoping Fastival : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલને ગ્રાહકો તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો ન હોવા અને ડિસ્કાઉન્ટ અંગે ફરિયાદો ઊઠી હોવા છતાં હવે તેની સીઝન-3 યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. અગાઉના આયોજનની ખામીઓ દૂર કરીને આ વખતે ફેસ્ટિવલને સફળ બનાવવા માટે કોર્પોરેશન હવે ખાનગી કન્સલ્ટન્સી કંપનીનો સહારો લેશે. એક ખાનગી કંપનીને સ્ટ્રેટેજિક એડવાઇઝરી અને કન્સલ્ટન્સીની કામગીરી સોંપવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે. ચાર કન્સલ્ટન્ટની ટીમ ત્રણ મહિના સુધી કામગીરી કરશે, જેના પાછળ જીએસટી સાથે કુલ 46.72 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ દરખાસ્ત ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે.

દરખાસ્ત મુજબ, એક કન્સલ્ટન્ટનો માસિક ખર્ચ 3.30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ચાર કન્સલ્ટન્ટ માટે ત્રણ મહિનાનો ખર્ચ 39.60 લાખ રૂપિયા થાય છે. તેના પર 18 ટકા જીએસટીના 7.12 લાખ રૂપિયા ગણતાં કુલ 46.72 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જોકે, આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ જ કામગીરી સોંપવાની પ્રક્રિયા આગળ વધશે.

એજન્સી વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે

કંપનીની ટીમ શોપિંગ ફેસ્ટિવલને માત્ર ખરીદી અને ડિસ્કાઉન્ટ પૂરતો મર્યાદિત રાખવાને બદલે શહેરના વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે. ફેસ્ટિવલનું આયોજન, વિવિધ સ્થળો વચ્ચે સંકલન, ઇવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ પ્રચાર જેવી જવાબદારીઓ ટીમને સોંપવામાં આવશે. સોશિયલ મીડિયા, વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ફેસ્ટિવલનો પ્રચાર કરવાની કામગીરીમાં પણ માર્ગદર્શન અપાશે.

ફેસ્ટિવલની સફળતા માટે મુલાકાતીઓની સંખ્યા, વેપારીઓની ભાગીદારી સહિતના માપદંડો પર મૂલ્યાંકન કરાશે

આ ઉપરાંત વેપારીઓ, કારીગરો, કલાકારો અને અન્ય હિતધારકો સાથે સંકલન કરીને ફૂડ, સંગીત, ફેશન, હેરિટેજ, યુવા સહભાગિતા અને મનોરંજનને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ કરાશે. ફેસ્ટિવલ કેટલો સફળ રહ્યો તે માપવા માટે KPI એટલે કે સફળતાના માપદંડ નક્કી કરાશે. મુલાકાતીઓની સંખ્યા, વેપારીઓની ભાગીદારી, વેચાણ અને આર્થિક અસરનું મૂલ્યાંકન કરીને ભવિષ્યની સીઝન માટે SOP અને અહેવાલ પણ તૈયાર કરવામાં આવશે.

સીઝન 2માં 71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હોવાનો દાવો કરાયો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉની સીઝન-2માં 71 લાખથી વધુ મુલાકાતીઓએ ફેસ્ટિવલની મુલાકાત લીધી હોવાનો અને 8,500થી વધુ વેપારીઓએ ભાગ લીધો હોવાનો આંકડો આપવામાં આવ્યો હતો. તેમ છતાં અગાઉના આયોજન દરમિયાન ગ્રાહકોને વચન મુજબ ડિસ્કાઉન્ટ ન મળવાની ફરિયાદો ઊઠી હતી. ફેસ્ટિવલમાં ગ્રાહકોનો પ્રતિસાદ, વેપારીઓને થયેલો ફાયદો અને આયોજન પાછળ થયેલા ખર્ચ સામે મળેલા પરિણામો અંગે પણ સવાલો થયા હતા. હવે ત્રીજી સીઝનને સફળ બનાવવા માટે કન્સલ્ટન્ટની ટીમ પાછળ 46.72 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની દરખાસ્ત તૈયાર થતાં આ આયોજનથી ખરેખર કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું.