Gujarat

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી

By GS TEAM
2 Nov 20252 mins read
AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી

અમદાવાદ,રવિવાર

અમદાવાદ શહેરમાં નાના મોટા પાંચ હજારથી વધારે સ્પા સેન્ટર આવેલા છે. જેમાં મસાજના નામે બેરોકટોક રીતે દેહવિક્રયનો કારોબાર બેરોકટોક ચાલે છે. સ્પામાં ગેરકાયદે ચાલતા કારોબારને કાબુમાં લેવાની જવાબદારી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ છે.  જેના અધિકારીઓ માત્ર નામ પુરતી જ દરોડાની કાર્યવાહી કરે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે મોટાભાગના સ્પા સેન્ટરમાં ગોરખધંધા ચાલે છે. પરંતુ,  ટ્રાફિકીંગ યુનિટના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. શહેરના અનેક સ્પા અને મસાજ સેન્ટરના વિડીયો વાયરલ થયા છે અને કેટલાંક સ્પામાં પોલીસ કર્મચારીઓની જ ભાગીદારીની જાણ ઉચ્ચ અધિકારીઓને છે.  આમ, હપતાખોરી અને ભાગીદારીના ખેલમાં સ્પા સેન્ટરને છુટો દોર મળી ગયો છે.

અમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને શહેરમાં બાળ મજૂરો, માનવ તસ્કરી અને મહિલાઓ-યુવતીઓ પાસે કરાવવામાં આવતા ગેરકાયદે દેહવિક્રયને રોકવા માટેની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.  પરંતુ, અમદાવાદમાં ચાલતા પાંચ હજાર જેટલા નાના-મોટા સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વિક્રયના અને યુવતીઓના શોષણને રોકવામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સદ્તર નિષ્ફળ ગયુ છે.  માત્ર કહેવા પુરતી ગણ્યા ગાઠયા દરોડા પાડીને કામગીરી બતાવવામાં આવે છે.  જ્યારે અમદાવાદના સ્પા સેન્ટરમાં અગાઉ પણ વિદેશી યુવતીઓ ટુરીસ્ટ વિઝા પર આવીને મોટા મોટા સ્પામાં કામ કરતી હોવાના તેમજ વિઝા પીરીયડ પૂર્ણ થયા બાદ પણ અમદાવાદમાં રહેતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના એસ જી હાઇવે, ચાંદખેડા, શાહીબાગ અને નવરગપુરા સહિતના વિસ્તારોમાં સ્પાના અંદર ચાલતા ગોરખ ધંધાના વિડીયો પણ સામે આવ્યા છે. પરંતુ, આ કિસ્સામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ કાર્યવાહી કરતું નથી. 

 એક સ્પાના સંચાલકે તો ત્યાં સુધી કહ્યું હતું ભલે વિડીયો વાયરલ થાય પોલીસ અમારી સાથે છે. જેથી અમે બેરોકટોક રીતે સ્પા ચલાવવાના છીએ. નોંધનીય છે કે મોટાભાગના સ્પામાં પોલીસની ભાગીદારી હોય છે અને જ્યાં ભાગીદારી ન હોય ત્યા  હપતાખોરી ચાલે છે. જેના કારણે મસાજ સેન્ટર રીતસરના ધમધમે છે.  થોડા દિવસ પહેલા ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતીઓ પૈકી કેટલીક યુવતીઓ સ્પા સેન્ટરમા ંકામ કરતી  હતી અને બનાવટી દસ્તાવેજો તેમણે એજન્ટોની મદદથી બનાવ્યા હતા. જે બાબતે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની કામગીરીને ખુલ્લી પાડે છે.