Gujarat

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા

By GS TEAM
5 Sep 20251 min read
યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા

અમદાવાદ,ગુરૂવાર

ડીસીપી ઝોન-૩ સ્ક્વોડના સ્ટાફે કાલુપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકને ઝડપીને પાંચ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક ઓનલાઇન ગેમીંગમાં નાણાં હારી ગયો હતો. જેથી ફરીથી રમવા માટે નાણાં એકઠા કરવા માટે તે ચોરીના રવાડે ચડયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસીપી ઝોન-૩ના સ્ક્વોડનો સ્ટાફ કાલુપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એક સ્કૂટર સાથે વિશાલ દેસાઇ (રહે.રણુજાનગર, જોધપુર) નામના યુવકને રોકીને પુછપરછ કરતા તેની પાસે સ્કૂટર અંગેના કાગળો નહોતા. જેથી તેની અટકાયત કરીને  તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેણે સ્કૂટરની ચોરી કરી હતી. વધુ પુછપરછમાં તેણે અન્ય ચાર ટુ વ્હીલર્સ ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે તમામ વાહનો જપ્ત કર્યા હતા.

આ અંગે પીએસઆઇ વી એચ રાઠોડે જણાવ્યું કે વિશાલ દેસાઇને ઓનલાઇન ગેમીંગની આદત પડી ગઇ હતી. જેમાં તે નાણાં જીત્યા બાદ હારી ગયો હતો. પરંતુ, ગેમીંગની આદત હોવાને કારણે તેને નાણાંની જરૂર પડતા તે ટુ વ્હીલર ચોરી કરતો થયો હતો. તેણે બોપલ, વસ્ત્રાપુર, સરખેજ, બોડકદેવ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાંથી ટુ વ્હીલર ચોરી કર્યા હતા અને ગ્રાહકોની શોધમાં હતો. પરતુ, વેચાણ કરે તે પહેલા જ તે ઝડપાઇ ગયો હતો.