Gujarat

વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU બાદ 65 ટકા પ્રોજેક્ટો અમલી બને છે

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU બાદ 65 ટકા પ્રોજેક્ટો અમલી બને છે

14 વર્ષમાં 55,91,169 કરોડનું સૂચિત મૂડીરોકાણ,22.17 લાખને રોજગારી

વર્ષ 2003થી માંડીને વર્ષ 2017 સુધી કુલ 76,512 પ્રોજેક્ટોના MOU થયા ને 42,735 પ્રોજેક્ટ શરૂ થયા

અમદાવાદ : પાટનગર ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2022 યોજવા માટે ધમધમાટ શરૂ થયો છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં રોકાણ થાય, નવા ઉદ્યોગો સૃથપાય, શિક્ષિત યુવા બેરોજગારોને રોજગાર મળી રહે તે હેતુથી યોજવામાં આવતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુ કરાયા બાદ 65 ટકા ઉદ્યોગો અમલમાં આવે છે.

છેલ્લા આઠ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કુલ રૂા.55,91,169 કરોડનુ સૂચિત મૂડીરોકાણ થયુ હોવાનો સરકારે દાવો કર્યો છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઇ છે. દુબઇ સહિત દેશ-વિદેશમાં રોડ-શો યોજવામાં આવી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતનો પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં મોટા ઉદ્યોગગૃહો રોકાણ કરવા આવી રહ્યાં છે તેવો માહોલ સર્જાયો છે. ગુજરાત સરકારના જ એક રિપોર્ટ મુજબ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુ થયેલાં કુલ પ્રોજેક્ટો પૈકી35 ટકા પ્રોજેક્ટો કોઇને કોઇ કારણોસર પડતા મૂકાય છે.

વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે સાથે સાથે પડતા મૂકાતા પ્રોજેક્ટોની સંખ્યા પણ વધતી જઇ રહી છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર 80 એમઓયુ થયા હતાં તે પૈકી 38 પ્રોજેક્ટો એટલે અડધોઅડધ પ્રોજેક્ટ પડતા મૂકાયા હતાં. જયારે વર્ષ 2017માં 24,774 એમઓયુ થયા હતા અને 1990 પ્રોજેક્ટ કાગળ પર જ રહ્યા હતાં. છેલ્લા 14 વર્ષમાં એમઓયુ થયેલાં કુલ 76512 પ્રોજેક્ટ પૈકી 42735 પ્રોજેક્ટ શરૂ થઇ શક્યા છે.

કુલ મળીને 18,849 પ્રોજેક્ટો પડતા મૂકાયા છે. વર્ષ 2003માં કુલ એમઓયુના 52 ટકા પ્રોજેક્ટ અમલમાં આવ્યા હતાં. વર્ષ 2017માં અમલમાં આવેલાં પ્રોજેક્ટોની ટકાવારી વધીને 62.59 ટકા રહી હતી. ટૂંકમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુ કરાયા બાદ પણ ઉદ્યોગપતિઓએ ઉદ્યોગો શરૂ કર્યા નથી.

છેલ્લાં 14 વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાતનુ ચિત્ર જોઇએ તો, 6793 પ્રોજેકટો તો હજુય  સરકારી પ્રક્રિયા હેઠળ છે. છેલ્લાં આઠ વાઇબ્રન્ટ ગુજરાતને લીધે શરૂ થયેલાં ઉદ્યોગોને લીધે 22.71 લાખ બેરોજગારોને રોજગારી મળી છે તેવો સરકારે દાવો કર્યો છે.