Gujarat

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને RO પ્લાન્ટ પર તપાસ

By GS TEAM
26 May 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીના જગ, બરફ અને ઠંડા પીણાની માંગ વધતા હવે પાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને RO પ્લાન્ટ પર તપાસ

Vadodara Corporation : વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીના જગ, બરફ અને ઠંડા પીણાની માંગ વધતા હવે પાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.

શહેરના પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી તેમજ આરઓ પ્લાન્ટ ખાતે ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે અડધો ઉનાળો પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા શહેરમાં તેની ચર્ચા જાગી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ચારેય ઝોનમાં ચાર અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરેક ટીમમાં ત્રણ ફૂડ ઇન્સ્પેક્ટરો સહિત કુલ 13 ફૂડ ઇન્સ્પેક્ટરોને તપાસ માટે મુકવામાં આવ્યા છે.

 તપાસ દરમિયાન આઈસ ફેક્ટરીમાં બનાવાતા બરફમાં જરૂરી ફ્લોરિનેશન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે પાણીના જગના વિક્રેતાઓ પાણી કયા સ્ત્રોતમાંથી મેળવે છે, તેની ગુણવત્તા કેવી છે અને નિયમિત લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ લેવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 આરોગ્ય વિભાગ દ્વારા આરઓ પ્લાન્ટ અને પાણીના સપ્લાય સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ‘સોર્સ ઓફ વોટર’ અંગે માહિતી મેળવી પાણીના સ્ત્રોતની વિશ્વસનીયતા અને શુદ્ધતા અંગે ખાતરી કરવામાં આવી રહી છે.

 ઉનાળાની શરૂઆતથી જ પાણી અને બરફના ઉપયોગમાં વધારો થતો હોવા છતાં હવે કાર્યવાહી શરૂ થતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે તંત્રએ આ અભિયાન મોડું કેમ શરૂ કર્યું. “ઉનાળો અડધો પૂરો થયા બાદ તંત્ર જાગ્યું” તેવી પણ ચર્ચા છે.