Gujarat

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રીયા શરુ

By GS TEAM
20 Nov 20251 min read
અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા  હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રીયા શરુ

અમદાવાદ,બુધવાર,19 નવેમ્બર,2025

અમદાવાદના પશ્ચિમમાં આવેલા અખબારનગર વિસ્તારમાં મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ઓફર મંગાવાઈ છે.આ પ્રકારે હંસપુરા ખાતે રુપિયા ૨૩૩ કરોડના ખર્ચથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રીયા શરુ કરવામા આવી છે.કુલ ૧૯,૧૩૩ સ્કેવરમીટરના કુલ પ્લોટ એરીયા પૈકી ૩,૫૫૪ સ્કેવર મીટર એરીયામાં એ.એમ.ટી.એસ.બસ માટેનુ પાર્કિંગ સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ  કરાવવામા આવશે. આ ટ્રાન્સપોર્ટ હબ દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટથી અપાશે.

થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તારમાં ૧૮ માળનુ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ટેન્ડર કરાયુ હતુ. હંસપુરા ખાતે નરોડા -દહેગામ રોડથી નજીક અમદાવાદ પૂર્વમાં વધતા જતા વિકાસ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ હબ બનાવવા આયોજન કરવામા આવ્યુ છે.આ હબમાં ઓછામા ઓછી ૧૦૦ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ પાર્ક થઈ શકે એ માટે વ્યવસ્થા કામગીરી મેળવનાર એજન્સીએ વ્યવસ્થા કરવાની રહેશે.આ હબમાં 3,554 સ્કેવરમીટર જગ્યામા મ્યુનિ.બસો માટે પાર્કિંગ બનશે.જયારે ૯,૦૨૦ સ્કેવરમીટર જગ્યામાં કોમર્શીયલ ડેવલપમેન્ટ કરવા માટે આયોજન કરાશે.કુલ પ્રોજેકટ કોસ્ટ પૈકી ૪૬.૩૧ કરોડ બસ પાર્કિંગ તથા ૧૮૭.૩૫ કરોડ કોમર્શીયલ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરવામા આવશે.આ હબ કાર્યરત થયા પછી પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની ગીચતા ઘટશે તેવો તંત્ર તરફથી આશાવાદ વ્યકત કરવામા આવ્યો છે.