Gujarat

જોરણંગના યુવાન પાસેથી 5 લાખ લીધા પછી પરિવારને હોટલમાં ગોંધી રાખ્યો

By GS Team
18 Feb 20223 mins read
This article was originally published on 18 Feb 2022
જોરણંગના યુવાન પાસેથી 5 લાખ લીધા પછી પરિવારને હોટલમાં ગોંધી રાખ્યો

મહેસાણા, તા.17

ઉત્તર ગુજરાતના લોકોને અમેરિકા, કેનેડા સહિત વિદેશમાં વસવાટ કરવાનું ઘેલું લાગ્યું  છે. આવા લોકોના ગજવા ખંખેરવા માટ ે ઠગભગતો અવનવી તરકીબો અપનાવી વિલાયત જવા ઈચ્છતાં લોકોને શિકાર બનાવી ગોંધી રાખી લાખો રૃપિયા પડાવતાં હોવાની ફરિયાદો છાશવાર પોલીસ ચોપડે નોંધાતી રહેતી હોય છે. મહેસાણાના જોરણંગ ગામના યુવાનને પરિવાર સાથે અમેરિકા જવાની ઘેલછા થઈ હતી. જે યુવકને ત્રણ શખસોએ અમેરિકા મોકલી આપવાનું કહી રૃ.પ લાખ પડાવી લીધાં બાદ અમદાવાદથી જયપુર, દિલ્લી સહિતના સ્થળોએ લઈ જઈ હોટલમાં ગોંધી રાખ્યાની ફરિયાદ મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં યુવાને ત્રણ શખસ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે  ત્રણે શખસ  વિરૃધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની જુદીજુદીકલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મહેસાણાના જોરણંગ ગામે મહાદેવવાસમાં રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં રાકેશકુમાર ગોપાળભાઈ પટેલ (ઉવ.૩૧)એ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયા મળી ત્રણ શખસ વિરૃધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૨/૧૨/૨૦૨૧ના રોજ ફરિયાદીના મોબાઈલ ફોન પર સુશીલ રોય નામના શખસે અમદાવાદથી બોલું છું કહી, તમારે અમેરિકા જવું છે તેવી વાત કરતાં ફરિયાદી રાકેશકુમારે હા પાડતાં અમદાવાદ મળવાનું કહેતાં ફરિયાદીએ ના પાડી હતી. ત્યારબાદ આરોપી સુશીલ રોય ફરિયાદીને ગત તા.૨૬/૧૨/૨૦૨૧ના રોજ મળવા ઘરે જઈને ફરિયાદીને અમેરિકા જવા માટે રૃ.૧.૩૫ કરોડ થશે તેમ જણાવી ફરિયાદી રાકેશકુમાર પાસેથી એડવાન્સ પેટે રૃ.પ લાખ તથાં ફરિયાદી તથા તેના પત્ની અને બાળકના ફોટા અને આધારકાર્ડ આરોપીએ લીધાં હતા. ત્યારબાદ ગત તા.૨૭/૧૨/૨૦૨૧ના રોજ ફરિયાદીના ઘરે અમદાવાદથી જયપુર અને જયપુરથી કલકત્તાની ત્રણ ફ્લાઈટ ટીકીટ આવી હતી. જેના આધારે ફરિયાદી તેના પત્ની અને બાળક સાથે અમદાવાદ બાદ ફ્લાઈટમાં જયપુરથી કલકત્તા ગયા હતા. જ્યાં આરોપી સંતોષ રોયએ ફરિયાદી અને તેના પરિવારને એરપોર્ટ પરથી ટેક્સી મારફતે વિક્ટોરિયા હોટેલમાં રાખ્યા હતા.

જ્યાં આરોપી સુશીલ રોયના કહેવાથી  ફરિયાદી, તેના પત્ની અને બાળકનો પાસપોર્ટ આરોપી સંતોષ રોયને આપ્યા હતા. ત્યાં એજન્ટ કમલ સિંઘાનિયા આવ્યો હતો અને મળીને જતો રહ્યો હતો. જો કે, ૨૦ દિવસ હોટેલમાં રોકાણ કર્યા પછી પણ અમેરિકા જવાનું પૂછતાં આરોપીઓ નવી નવી તારીખ આપતાં હતા. આ હોટલમાં ફરિયાદી રાકેશ પટેલને અન્ય મહેસાણાના વતની આકાશ પટેલને પણ અમેરિકા જવાનું છે અને તેનો એજન્ટ પણ સુશીલ રોય છે તેની જાણ ફરિયાદીને થઈ હતી. આ દરમિયાન ફરિયાદીએ તા.૧૧/૨ ના રોજ આરોપી સુશીલ રોયને કહ્યું હતુ કે, તું અમને અમેરિકા મોકલી ના શકે તો ઘરે પાછા મોકલી દેજે તેવી વાત કરી હતી. જો કે, ૧૨મી ફેબુ્રઆરીની રાત્રિના ગુજરાતના ગાંધીનગરની પોલીસે આવી ફરિયાદી અને અન્ય આકાશ પટેલના રૃમ ખોલાવી તમારી સાથેે છેતરપિંડી થયાનું કહી પોલીસ બન્ને પરિવારને દિલ્લીથી અમદાવાદ લઈ આવી પોતાના ઘરે મોકલી આપ્યાં હતા. આ અંગે લાંધણજ પોલીસે ત્રણે શખસ વિરૃધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જોરણંગના યુવાનને પરિવાર સાથે હોટેલમાં 20 દિવસ ગોંધી રાખ્યા

જોરણંગના રાકેશકુમાર ગોપાળભાઈ પટેલને પત્ની અને બાળક સાથે અમેરિકા જવાની મુરાદ બર આવી ન હતી. આરોપી સુશીલ રોય, સંતોષ રોય, કમલ સિંઘાનિયા નામના ત્રણ શખસોએ ફરિયાદી સહિતના પરિવારને કલકત્તાની વિક્ટોરિયા હોટેલમાં ૨૦ દિવસ સુધી ગોંધી રાખી અમેરિકા જવાની જુદીજુદી તારીખો આપ્યા કરી હતી.

મહેસાણાના પરિવાર સાથે પણ ઠગાઈ કરાઈ

જોરણંગના રાકેશ પટેલને કલકત્તાની વિક્ટોરિયા હોટેલમાં ૨૦ દિવસના રોકાણમાં મહેસાણાના આકાશ પટેલ અને તેના પત્ની તથા બાળકને અમેરિકા જવાનું હોઈ તેને પણ હોટેલમાં રાખ્યા હોવાની જાણ ફરિયાદીને થઈ હતી. બાદમાં ફરિયાદી અને આકાશ પટેલના પરિવારને કલકત્તાથી દિલ્લીની હોટેલમાં રાખવામાં આવ્યાં હતા.

તમે મને અમેરિકા ના મોકલી શકો તો ઘરે મોકલી આપો

કલકત્તાથી દિલ્લીની હોટેલમાં રાખવામાં આવ્યા દરમિયાન ફરિયાદી રાકેશ પટેલે આરોપી સુશીલ  રોયને કહ્યું હતુ કે, તમે અમને અમેરિકા ના મોકલી શકો તો અમારા ઘરે મોકલી દેજો.

વધારે પૈસા પડાવવા હોટેલમાં ગોંધી રાખ્યા હતા

આરોપી સુશીલ રોય, સંતોષ રોય, કમલ સિંઘાનિયાએ ફરિયાદી અને તેના પરિવાર પાસેથી વધારે રૃપિયા પડાવવા માટે હોટેલમાં ૨૦ દિવસ સુધી ગોંધીરાખ્યા હતા તેમ ફરિયાદમાં ભોગગ્રસ્ત રાકેશ પટેલ દ્વારા જણાવાયું હતુ.