વડોદરાઃ જીકાસના શિડયુલ પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીમાં આજથી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની હતી પણ મેરિટ લિસ્ટ જ તૈયાર નહીં થયું હોવાથી આજે પહેલા દિવસે કોમર્સને બાદ કરતા આર્ટસ, સાયન્સ સહિતની બીજી ફેકલ્ટીઓમાં એડમિશન થઈ શક્યા નહોતા.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીએ તો પહેલા રાઉન્ડ પહેલા જાહેર કરાયેલા વેઈટિંગ લિસ્ટ અને બીજી જાણકારીના આધારે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ બે દિવસ પહેલા જ બહાર પાડી દીધું હતું.એટલે કોમર્સ ફેકલ્ટીમાં આજે બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ એડમિશન અપાયા હતા.
જોકે મેરિટના આધારે પ્રવેશ કાર્યવાહી કરી રહેલી આર્ટસ, સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં તો બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જીકાસ પાસેથી મેળવવામાં ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ હતી.આજે પ્રવેશ કાર્યવાહી નહીં થઈ શકતા ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ પાછા ગયા હતા.એ પછી યુનિવર્સિટી સત્તાધીશોએ હેડ ઓફિસ ખાતે તમામ ફેકલ્ટીના ડીન તથા એડમિશન કો ઓર્ડિનેટર તરીકે કામ કરતા અધ્યાપકોની બેઠક બોલાવી હતી.
સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં નક્કી થયા અનુસાર હવે ફેકલ્ટીઓ પોતાની પાસે જે ડેટા છે તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરશે .આ મેરિટ લિસ્ટ યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ મૂકાશે તથા તેમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓને પણ જાણ કરાશે.


