Gujarat

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

By GS TEAM
11 Dec 20252 mins read
સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

ગાંધીનગર નજીક પેથાપુર પંથકમાં ત્રણ વર્ષ અગાઉ

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો ઃ ૧૨ હજારનો દંડ સગીરાને ચાર લાખ વળતર ચૂકવવા માટે પણ હુકમ

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર પંથકમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામમાં રહેતી પરિવારની દીકરીને ગત ૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આરોપી અક્ષય ભરતભાઈ દંતાણી રહેસરઢવ, ઓગળિયા વાસ દ્વારા લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ નવસારી ખાતે આંબાવાડીમાં રાખીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને ગર્ભવતી બનાવી દીધી હતી. જે સંદર્ભે આ સગીરાના પિતા દ્વારા પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. તેની ઉપર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવવામાં આવી છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી અક્ષય ભરતભાઈ દંતાણીને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૧૨ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવી આપવા માટે પણ હુકમ કરવામાં આવ્યો હતો.