Gujarat

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા

By GS TEAM
18 Mar 20262 mins read
14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા

વડોદરા : ૧૪ વર્ષની સગીરાનું મોડી રાત્રે અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે પિડીત સગીરાને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા. ૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ ભોગ બનનાર ૧૪ વર્ષીય સગીરા રાત્રિના સમયે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ હતી. શોધખોળ કરવા છતાં પુત્રીનો પત્તો ન લગાત પિતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સગીરાને આરોપી નિલેશભાઈ છત્રસિંહ સોલંકી ભગાડી ગયો હોવાનું સપાટી પર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા કેસમાં દસ મૌખીક પુરાવા અને ૩૮ દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા અને સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો કરી હતી.

સરકાર પક્ષે સાબિત કર્યું હતું કે ગુના સમયે સગીરાની  ઉંમર માત્ર ૧૪ વર્ષ, ૩ મહિના અને ૩ દિવસ હતી. સ્પેશિયલ જજ એન.એસ. સોલંકીએ બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ આરોપી નિલેશ સોલંકીને દુષ્કર્મ કેસમાં કસુરદાર ઠેરવી પોક્સો એક્ટમાં ૨૦ વર્ષની સજા ફટકારી હતી.ન્યાયાધીશે એક લાખના વળતર ઉપરાંત આરોપીને કરવામાં આવેલા રૃા.૫૦ હજારના દંડની રકમમાંથી રૃા.૪૫ હજાર પીડિતાને  ચૂકવવાનો આદેશ કર્યો હતો.આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.