Gujarat

અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો

By GS TEAM
24 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં 23 નવેમ્બરની રાત્રે પ્રેમ-સંબંધની દાઝમાં એક કમકમાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ જૂના તૂટેલા સંબંધની દાઝમાં યુવકે તેની પૂર્વ પ્રેમિકાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ગુના મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો

Ahmedabad News : અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં 23 નવેમ્બરની રાત્રે પ્રેમ-સંબંધની દાઝમાં એક કમકમાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ જૂના તૂટેલા સંબંધની દાઝમાં યુવકે તેની પૂર્વ પ્રેમિકાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ગુના મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કરનારા પ્રેમીની ધરપકડ 

મળતી માહિતી મુજબ, વટવા GIDC પોલીસ સ્ટેશનને રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ હત્યાના બનાવ અંગે જાણ થઈ હતી. તાત્કાલિક પોલીસની ટીમ ત્રિકમપુરા કેનાલ પાસે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પોલીસને 23 વર્ષીય મનીષ ભવરલાલ સુથારનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા મનીષના મોઢા, ગળા અને હાથ પર તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા હતા, જેના કારણે તેનું મૃત્યુ ઘટનાસ્થળે જ થઈ ગયું હતું.

વટવા GIDC પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાતાં જાણવા મળ્યું હતું કે, આ હત્યા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધનો ખટરાગ હતો. મૃતક મનીષની બહેન અને આરોપી અશ્વિન તેજમલસિંહ ઝાલા (ઉં.વ. 24) વચ્ચે લગભગ ત્રણ વર્ષ પહેલાં મિત્રતા થઈ હતી, જે પાછળથી પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. જોકે, છ મહિના પહેલાં બંને છૂટા પડી ગયા હતા. આટલું જ નહીં, મનીષ અને તેની બહેન બંનેની સગાઈ તેમના પિતા દ્વારા થોડાક સમય પહેલાં જ અન્યત્ર કરી દેવાઈ હતી.

શું હતી સમગ્ર ઘટના?

ગઈકાલે રવિવારે રાત્રે મનીષની બહેન ઘરની નજીક વોક કરી રહી હતી, ત્યારે આરોપી અશ્વિન ત્યાં પહોંચી ગયો હતો. તેણે યુવતીને લગ્ન કરવા માટે ધમકાવી હતી અને કહ્યું કે, "તું મારી સાથે લગ્ન કરી લે, હું નહીં જીવી શકું અને તારા વગર હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું."

આ દરમિયાન યુવતીને તેના ભાઈ મનીષનો ફોન આવતા તેણે તરત જ આખી વાત મનીષને જણાવી હતી. આ સાંભળીને મનીષે તાત્કાલિક આરોપી અશ્વિનનો સંપર્ક કર્યો અને તેને ત્રિકમપુરા કેનાલ પાસે મળવા બોલાવ્યો. બંને વચ્ચે ત્યાં ઉગ્ર ઝઘડો થયો અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ. ગુસ્સે ભરાયેલા આરોપી અશ્વિને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે મનીષ પર ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા અને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. 

આ પણ વાંચો: અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા

ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ

આ બનાવ બાદ વટવા GIDC પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણતરીની મિનિટોમાં જ મુખ્ય આરોપી અશ્વિન ઝાલાની ધરપકડ કરી લીધી હતી. આ ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડી તપાસ કરીને FSL સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.