Gujarat

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
હોટલના એક ભાગીદાર અને તેના મળતીયાઓ સહિત 13 આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો

Jamnagar Crime : જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલ ઇન્ટરનેશનલનો બે ભાગીદારો વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે, અને તેમાં નોકરી કરતા એક કર્મચારીનો દાવ લેવાયો છે. અને તેના પર એક ભાગીદાર સહિત 13 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાન હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને જામનગરની વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા 25 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા નામના 48 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકા, લાકડીઓ સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે મિલન હંજળા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય 10 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને હાલ ત્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અમિત ચૂડાસમા કે જેની હોટલના બે ભાગીદારો મિતેશભાઇ કનખરા અને બીજા ભાગીદાર કિરીટભાઈ ભદ્રા કે જે બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેના ઝઘડામાં ગઈકાલે રાત્રિના સમયે ફરિયાદી યુવાન પોતાના ઘેર સૂતો હતો તે દરમિયાન મિલન હંજળાનો ફોન આવ્યો હતો, અને કાલથી તારે નોકરી પર નથી જવું તેવી ધમકી આપી હતી.

 તેથી અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછતાં તેને જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિઝ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોતે મોડી રાત્રે ગયો હતો, તે સમયે કુલ 13 જેટલા આરોપીઓ હથિયારો સાથે ઉભા હતા, અને તેને ધાક ધમકી આપી નોકરી નહીં કરવા દબાણ કર્યું હતું. જેના તાબે નહીં થતાં તમામ આરોપીઓએ તેના માથામાં તેમજ શરીરના અન્ય જુદા જુદા ભાગોમાં લાકડી અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી દેતાં પોતે લોહી લુહાણ થઈને ઢળો પડ્યો હતો.

 જે દરમિયાન દેકારો થવાથી આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ઇજા ગ્રસ્ત યુવાને પોતાની પત્નીને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા બાદ એક ખાનગી વાહન મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો, ત્યાં તેની સારવાર ચાલી રહી છે.

 આ મામલે પોલીસને જાણ થવાથી સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, સીટી સી. ડિવિઝનના પી.આઇ. એન.બી.ડાભી અને તેઓની ટીમે ફરિયાદી અમિત ચુડાસમાની ફરિયાદના આધારે મિલન હંજડા, અનિલ ભદ્રા અને કિરીટ ભદ્રા તેમજ તેના અન્ય 10 સાગરીતો સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.