Gujarat

અમદાવાદમાં રિવર્સ આવી રહેલા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એક માસૂમની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના જૂના વાડજ વિસ્તારમાં શનિવારે(21 માર્ચ) સવારે BRTS કોરિડોર પાસે પૂરઝડપે રિવર્સમાં આવી રહેલા પાણીના ટેન્કરે રમી રહેલા બે માસૂમ બાળકીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું ગંભીર ઈજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નવરંગપુરા ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રિવર્સ આવી રહેલા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એક માસૂમની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર

Accident Incident Nr Juna Vadaj BRTS Ahmedabad: અમદાવાદ શહેરના જૂના વાડજ વિસ્તારમાં શનિવારે(21 માર્ચ) સવારે BRTS કોરિડોર પાસે પૂરઝડપે રિવર્સમાં આવી રહેલા પાણીના ટેન્કરે રમી રહેલા બે માસૂમ બાળકીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું ગંભીર ઈજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નવરંગપુરા ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂના વાડજમાં ટેન્કરની અડફેટે એક બાળકીનું મોત

નવરંગપુરા B ડિવિઝન ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે 8:30 વાગ્યાની આસપાસ હનુમાનપુરાની ચાલી પાસેના નવા બનેલા જાહેર રોડ પર સર્જાયો હતો. સ્થાનિક રહીશ અને મજૂરી કામ કરતા સંજયભાઈ સોલંકીની 7 વર્ષની દીકરી અસ્મિતા અને તેની બહેનપણી પાયલ (ઉં.વ.6) ઘર પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન એક પાણીના ટેન્કરના ચાલકે અત્યંત બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ટેન્કર રિવર્સમાં લેતા બંને બાળકીઓ ટેન્કર નીચે કચડાઈ ગઈ હતી.

માથામાં ગંભીર ઈજા થતા અસ્મિતાનું મોત

ટેન્કરની જોરદાર ટક્કર વાગતા અસ્મિતાને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. જ્યારે પાયલને પણ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. પોતાની લાડકવાઈ દીકરીને નજર સામે જ ગુમાવતા સોલંકી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: 4 વર્ષ જૂનો 'અનડીટેક્ટ' મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જાણો મામલો

બેદરકાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ

પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ટેન્કર ચાલકે જાહેર સુરક્ષાને જોખમાવીને બેફામ રીતે વાહન ચલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમો અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ડ્રાઈવરને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

રહેણાંક વિસ્તારોમાં ભારે વાહનોનો આતંક?

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો અને ચાલીઓની આસપાસ પૂરઝડપે પસાર થતા ભારે વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તીમાં વાહન ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ન બને.