Get The App

ભારતમાલા હાઇવે પર લગ્નમાંથી પરત ફરતા ગાડી પલટી મારી ઃ એકનું મોત, ત્રણને ઇજા

રાજસ્થાન લગ્નમાં હાજરી આપી મુંબઇ પરત ફરતા સાવલી તાલુકામાં ગમખ્વાર અકસ્માત

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાલા હાઇવે પર લગ્નમાંથી પરત ફરતા ગાડી પલટી મારી ઃ એકનું મોત, ત્રણને ઇજા 1 - image

વડોદરા, તા.8 વડોદરા-દિલ્હી ભારતમાલા હાઇવે પર સાવલી તાલુકાના પસવા ગામ પાસે એક કાર પલટી મારતા રાજસ્થાનથી લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા મુંબઇના વેપારીનું સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે માતા અને પુત્રી સહિત ત્રણને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવી મુંબઇમાં વાસી વિસ્તારમાં મેઘદૂત બિલ્ડિંગમાં રહેતા કિશોરકુમાર નક્ષત્રમલ જૈનના ભાઇ તેમજ હાર્ડવેરનો વેપાર કરતા દિનેશકુમાર, ભાભી સુશીલાબેન, ભત્રીજી જીલ અને દિનેશકુમારના મિત્ર ચન્દ્રકાંત અરુણકુમાર ચારેય જણા રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી તેઓ એક અર્ટિંગા ગાડીમાં નીકળી મુંબઇ તરફ જતા હતાં.

ગાડી ચન્દ્રકાંતભાઇ ચલાવતા હતા ત્યારે બાજુની સીટ પર દિનેશકુમાર તેમજ પાછળની સીટ પર માતા અને પુત્રી બેઠા હતાં. સાંજના સુમારે ગાડી સાવલી તાલુકાના પસવા ગામ પાસેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી વખતે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ફંગોળાઈને પલટી મારી હતી. આ અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને ગાડીનો દરવાજો ખોલીને ચારેયને બહાર કાઢ્યા હતા જેમાં દિનેશકુમારનું સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણને ઇજા થતા વડોદરાની ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે સાવલી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.