Get The App

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે 'ચોકલેટ' વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે 'ચોકલેટ' વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત 1 - image

AAP Workers Detained in Jamnagar: દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને આજે (21માં મે) જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે એક અત્યંત અનોખો દેખાવો કર્યો હતો. જેમાં ‘આપ’ના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સામાન્ય જનતા અને કર્મચારીઓને ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

'મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?'ના નારા સાથે કલેક્ટર કચેરી ગૂંજી

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઇંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરોએ કચેરી પરિસરમાં પ્રતિકાત્મક રીતે 'મેલોડી' ચોકલેટનું વિતરણ શરૂ કર્યું હતું. ટીવી એડવર્ટાઈઝમેન્ટના ડાયલોગ "મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?" (મેલોડી આટલી ચોકલેટી કેમ છે?)નો ઉપયોગ કરીને કાર્યકરોએ સરકાર સામે કટાક્ષ કર્યો હતો કે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને શાસકો પોતાની ધૂનમાં મસ્ત છે.

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે 'ચોકલેટ' વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત 2 - image

આ પણ વાંચો: વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યનો સગો ભાઈ!

બંગાળથી ઇટાલી થઈને મેલોડી જામનગર આવી!

આપના કાર્યકરોમાં રાજકીય કટાક્ષ કરતી એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની હતી. કાર્યકરો કહી રહ્યા હતા કે, 'આ આખો સીન બંગાળ શરૂ થયો હતો, જે જાલમુડી બાદ ઇટાલી સુધી પહોંચ્યો અને હવે એ જ મેલોડી ચોકલેટ વાયા થઈને આખરે જામનગર સુધી પણ પહોંચી ગઈ છે.' 

પોલીસે અટકાયત કરી હેડક્વાર્ટર ખસેડ્યા

ધરણાં અને ચોકલેટ વિતરણના કારણે કલેક્ટર કચેરી ખાતે અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંજૂરી વિના દેખાવો કરી રહેલા જિલ્લા પ્રમુખ સહિત ‘આપ’ના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, પરિસ્થિતિ શાંત પડતાં થોડીવાર બાદ તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

મુક્ત થયા બાદ 'આપ'ના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 'પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો સીધો બોજ સામાન્ય અને મધ્યમ વર્ગની જનતાની કમર તોડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ મોંઘું થતાં શાકભાજી અને કરિયાણાના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જો સરકાર વહેલી તકે ભાવ ઘટાડો નહીં કરે, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે.'