Get The App

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો 1 - image

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500 છીનવી લેવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ત્રણ આરોપીઓએ એકસાથે મળી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં હુમલા અને લૂંટ અંગેનો ગંભીર ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ તા. 17 એપ્રિલની રાત્રે આશરે 11:00 વાગ્યે આદિત્યરાજસિંહ અનિરુદ્ધસિંહ સોલંકી (ઉ.વ.18) દુધ લેવા માટે શંકર ટેકરી ખાતે આવેલી એક દુકાને ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર આરોપી લાલો બ્લોચ, કાસમ બ્લોચ અને અબુ બ્લોચે તેમને અટકાવી “અહીં કેમ આવ્યો છે” કહી ઝઘડો શરૂ કર્યો હતો.

ફરિયાદીએ જવાબ આપતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપવા લાગ્યા હતા. ફરિયાદીએ ગાળો આપવા ના પાડતા આરોપીઓએ એકસાથે મળી તેમને ઢીકાપાટુંનો માર મારી મુંઠ વડે મોઢા પર તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચાડી હતી.

હુમલા બાદ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂપિયા 1,500 છીનવી લીધા હતા.

આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(5), 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.