સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત

- મહેમદાવાદ, નડિયાદ તાલુકામાં 3 અકસ્માત
- ટુવ્હીલર પર જતા નડિયાદ રિંગરોડ પર પિતા, પુત્રી અને કરોલી નહેર ઉપર મહિલાને ઈજા
ખેડા તાલુકાના નવાગામના કૌશિકભાઇ જયંતીભાઈ ચૌહાણ ગઈકાલે પત્ની અને દીકરાને બાઈક ઉપર બેસાડી મલાતજ સાસરીમાંથી સાંજે પરત ઘરે આવતા હતા. દરમિયાન સણસોલી પાટીયા રામદેવ મંદિર નજીક આગળ જતી રીક્ષા કટમાં વળી જતા બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક રીક્ષાના ટાયર સાથે અથડાતા બાઈક પાછળ બેઠેલી પત્ની રોડ ઉપર પડી ગઈ હતી. દરમિયાન પાછળથી આવેલી ટ્રકનું ટાયર કૃતિકાબેન કૌશિકભાઇ ચૌહાણના પેટ ઉપર ફરી વળ્યું હતું. ઈજાગ્રસ્તને ખાત્રજ ચોકડી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે કૌશિકભાઇ જયંતીભાઈ ચૌહાણની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ પશ્ચિમ સોહંગ રામ સોસાયટીના અલ્પેશ મુકુંદભાઈ રાવળ ગઈકાલે સવારે દીકરી ગાર્ગીને લઈ મોટર સાયકલ પર સ્કૂલે મૂકવા જતા હતા. ત્યારે રિંગ રોડ ઉપર ઇકો ગાડીએ ટક્કર મારતા બાઈક સવાર પિતા અને પુત્રીને રોડ પર પટકાતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે ત્રીજા બનાવમાં નડિયાદ કિશન સમોસાના ખાંચામાં રહેતા ઉર્વશીબેન શશીકાંત પરમાર નારથી ડભોઉ થઈ કરોલી નહેર ઉપરથી એક્ટિવા પર જતા હતા. ત્યારે પુરઝડપે બાઈકે ટક્કર મારતા ઉર્વશીબેન પરમારને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો.








