Gujarat

ચોરી કરી ભાગેલા યુવકનું કારની હડફેટે ચડી જતાં મોત

By GS TEAM
28 Jan 20262 mins read
ચોરી કરી ભાગેલા યુવકનું કારની હડફેટે ચડી જતાં મોત

પડધરીના તરઘડીમાં બનેલી ઘટના : યુવક જ્યાં માવો ખાતો તેના થડામાંથી જ ચોરી કરી હતી : વેપારીએ ફૂટેજ બતાવતાં ભાગ્યો અને મોત મળ્યું

રાજકોટ, : પડધરીના તરઘડીમાં આવેલી પાનની દુકાનના થડામાંથી રોકડ રકમની ચોરી કર્યા બાદ વેપારીને જાણ થઇ જતાં તેને ચકમો આપી ભાગવા ગયેલા અમન સતેન્દ્ર સિંહ (ઉ.વ.૧૯)નું ત્યાંથી  પસાર થયેલી કારની હડફેટે ચડી જતાં મૃત્યુ નિપજ્યું હતું. પડધરી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે અમન તરઘડીમાં આવેલા ગિરીરાજ નીટવેર નામના કારખાનામાં નોકરી કરતો હતો. મૂળ બિહારનો વતની હતો. બે દિવસ પહેલા વહેલી સવારે ગામમાં આવેલી દુકાને ચા પીવા અને માવો ખાવા ગયો હતો. પાનની દુકાને નિયમિત રીતે માવો ખાતો હોવાથી વેપારી શૈલેષભાઈ કોઇ કામમાં વ્યસ્ત હોવાથી તેને જ માવો બનાવવાનું કહ્યું હતું. જે દરમિયાન મોકો મળતાં અમને થડામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. ત્યાર પછી માવો લઇ તે પોતાના કારખાને જતો રહ્યો હતો. બીજી તરફ શૈલેષભાઈએ થડામાંથી પૈસા ગાયબ જોતાં સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં અમને જ ચોરી કર્યાનું દેખાતા તેના કારખાને જઇ તેને કેમ ચોરી કરી તેમ પૂછ્યું હતું.

જો કે અમને ચોરી કર્યાનો સાફ ઇન્કાર કર્યો હતો. આ સ્થિતિમાં શૈલેષભાઈએ તેને પોતાના મોબાઇલ ફોનમાં રહેલા ફૂટેજ દેખાડતા જ અમન ત્યાંથી ભાગ્યો હતો. રોડ ક્રોસ કરવા જતાં રાજકોટથી દ્વારકા જતી અર્ટીગાની ઠોકરે ચડી જતાં કાર ચાલક રાજકોટના પોપટપરામાં રહેતા આકાશ પ્રવીણભાઈ ધામેચા તેને પોતાની કારમાં રાજકોટ સિવિલ લઇ આવ્યા હતાં. જ્યાં ગઇકાલે મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પડધરીના એએસઆઈ પુનિતભાઈ અગ્રાવતે કાર ચાલક આકાશભાઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.