વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી

- તળાજા પોલીસમાં 5 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- યુવાને લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં 5 ઈસમો ઉઘરાણી કરી ધમકી આપતા હતા
તળાજાની મેમણ કોલોનીમાં રહેતા અને ગેસ રિપેરિંગનો વ્યવસાય કરતા ઇરફાનભાઇ રજાકભાઈ પોપટિયાએ દોઢ વર્ષ પહેલા ભંગારનો ધંધો કરવા માટે અસલમ ઉર્ફે બાબા અબ્દુલભાઈ કાચલીયા પાસેથી રૂ.૧ લાખ વ્યાજ પર લીધા હતા.અને રોજ બે હજાર રૂપિયા વ્યાજ આપવું પડશે તેવી શરત કરી હતી.દરમિયાનમાં ઇરફાનભાઇએ અસલમભાઈ ઉર્ફે બાબાને રૂ.૨.૭૦ લાખ પરત આપ્યા હોવા છતાં અસલમ ઉર્ફે બાબા અને તેનો પુત્ર વસીમ અસલમ ઉર્ફે બાબા કાચલીયા પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. તેમજ રજાકભાઈએ ઈરફાન વલીભાઈ મલાડા પાસેથી ત્રણ વર્ષ પહેલા રૂ.૨.૭૫ લાખ વ્યાજે લીધા હતા. અને રજાકભાઈએ વ્યાજ સહિત રૂ.૪.૭૫ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં હજુ પણ પૈસાની ઉઘરાણી કરતા હોય તેમજ અબુ મલાડાએ રજાકભાઈને કહેલ કે મારા ભાઈના બાકી નીકળતા પૈસા આપી દેજે નહિતર સારા વાના નહિ રહે તથા ફઝલ મલાડાએ ફોન કરી રજાકભાઈને કહેલ કે મારા કાકા ઈરફાનભાઈના બાકી નીકળતા પૈસા આપી દેજે અને તું મને ઓળખતો નથી હું પ્રેસ રીપોર્ટર છું મારૂ કોઇ કાંઇ બગાડી નહિ લે તેમ કહી જાસા ધમકી આપી હતી.દરમિયાનમાં ઇરફાન મલાડા,અબુ મલાડા તથા ફજલ મલાડા તળાજા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવવા ગયેલ છે તેમ રજાકભાઈને જાણવા મળતા રજાકભાઈને વ્યાજે લીધેલ પૈસા બાબતે ખરાબ વિચાર આવતા ખિસ્સામાં રહેલ ઝેરી જંતુનાશક દવાની બોટલ માંથી થોડી ઝેરી દવા પી લીધી હતી.રજાકભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે રજાકભાઈએ પાંચ શખ્સ વિરૂધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.









