ચિલોડા ગાંધીનગર હાઇવે ઉપર તંત્રની ગંભીર બેદરકારી
રેલિંગ વગરના બ્રિજ પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત ઃ ફાયર બ્રિગેડે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢયો
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-૩૦ બ્રિજ પર આજે બપોરે ચિલોડા તરફથી આવતી એક રિક્ષા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે રેલિંગ વગરના બ્રિજ પરથી સીધી સાબરમતી નદીમાં ખાબકી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી પરંતુ આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક શિહોલી ગામના યુવકનું ડૂબી જવાથી કરૃણ મોત નીપજ્યું છે.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના શીહોલી ગામનો
રહેવાસી રાકેશ પ્રહલાદજી ઠાકોર નામનો યુવક આજે બપોરે પોતાની રિક્ષા લઈને જમીનના
દસ્તાવેજ કરાવવાના કામ અર્થે ગાંધીનગર કોર્ટ જઈ રહ્યો હતો. તે જ્યારે ચિલોડા તરફથી
સેક્ટર-૩૦ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો,
ત્યારે કોઈ કારણોસર તેણે રિક્ષાના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બ્રિજ પર
રેલિંગ ન હોવાથી રિક્ષા સીધી પલટી મારીને નીચે નદીના પાણીમાં ખાબકી હતી. જે ઘટનાની
જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર
ફાઈટરોએ ભારે જહેમત બાદ રિક્ષાને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ ચાલકનો
પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ સાબરમતી નદીના ઊંડા પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ
ધરવામાં આવ્યું હતું, જેમાં
અંતે રાકેશનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા
પરિવારજનો અને શીહોલી ગામના લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા, જેના કારણે સમગ્ર
વાતાવરણ ગમગીન બની ગયું હતું.આ અકસ્માતને પગલે સેક્ટર-૩૦ બ્રિજની બંને તરફ વાહનોની
લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બ્રિજ પર લોકોના
ટોળા એકઠા થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે, પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યો
હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા મથામણ કરી હતી. બ્રિજ પર
રેલિંગના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે પણ રોષ જોવા
મળ્યો હતો.


