કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત

- ગઢડા-જસદણ બાયપાસ રોડ પરનો બનાવ
- બે મિત્રો કાર લઈને બહાર ગામ જતાં હતા ત્યારે અકસ્માત નડયો હતો
બોટાદના તાજપર રોડ પર આવેલ ભાવનગર ફાટક પાસે રહેતા રઘુવીરસિંહ હકુભા ઝાલાના મોટા બાપુના દિકરા રાજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા તથા તેમના મિત્ર અફજલભાઈ કુરેશી કાર નંબર જીજે-૦૮-એઈ-૭૧૧૯ લઈને બોટાદથી બહારગામ જતા હતા અને કાર રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન ગઢડા-જસદણ બાયપાસ રોડ સર્વોપરી ગૌશાળા પાસે આવેલ વળાંક પાસે પહોંચતા ગાડીના સ્ટિયરિંગ પરથી રાજેન્દ્રસિંહએ કાબુ ગુમાવી દેતા ગાડી પાણીની કેનાલમાં ખાબકી હતી. કાર પાણીની કેનાલમાં ખાબકતા રાજેન્દ્રસિંહનું પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું. જ્યારે અફજલભાઇ કુરેશીને શરીરે મુંઢ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રઘુવીરસિંહે ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








