Gujarat

ઉનામાં યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મના ઇરાદે યુવક ઘરમાં ઘૂસી ગયો !

By GS TEAM
2 Mar 20262 mins read
ઉનામાં યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મના ઇરાદે યુવક ઘરમાં ઘૂસી ગયો !

ધોળા દિવસે ઘરમાં ઘૂસી જવાની ગંભીર બાબતથી આક્રોશ : યુવતીએ પ્રતિકાર કર્યો ત્યાં સુધીમાં આવી પહોંચેલા પરિવારજનોએ યુવકને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા : પોલીસે લોકઅપમાં ધકેલ્યો

ઉના, : ઉનામાં રહેતી એક યુવતી આજે બપોરે ઘરે એકલી હતી ત્યારે એક યુવક દુષ્કર્મના ઇરાદે ઘરમાં ઘુસી ગયો હતો.યુવતીએ પ્રતિકાર કર્યો ત્યાં સુધીમાં યુવતીના પરિવારજનો આવી પહોંચ્યા હતા અને તેઓ યુવકને પકડી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં પોલીસે ચાચકવડના યુવક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ ઉનામાં રહેતી એક યુવતી અને ચાચકવડ ગામનો ફરાન હનીફ શેખ અઢી વર્ષ પહેલા સાથે અભ્યાસ કરતા હતા. ફરાન યુવતી સાથે મિત્રતા કેળવવા ફોન પર અને સોશ્યલ મિડીયા મારફત સંપર્ક કરી મળવા માટે દબાણ કરતો હતો. યુવતીએ ઈન્કાર કરી દીધો હતો તેમ છતાં ફરાન યુવતીની પજવણી કરતો હતો.

આજે બપોરે યુવતી એકલી હતી ત્યારે ફરાન તેણીની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી ગયી હતો અને અભદ્ર વર્તન કરી બળજબરીથી સબંધ બાંધવા દબાણ કર્યું હતું. એકલી યુવતીએ પ્રતિકાર કર્યો હતો એ દરમ્યાન યુવતીના પરિવારજનો ઘરે આવી પહોંચ્યા હતા તેઓ યુવકને ઘરમાં જોઈ હતપ્રભ બની ગયા હતા. પરિવારજનોએ ફરાન શેખને પકડી લીધો હતો અને તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એ અંગે ફરિયાદ થતા ઉના પોલીસે ફરાન શેખ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આમ આવારા યુવકે યુવતીનો એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી જઈ દુષ્કર્મ આચરવા પ્રયાસ કરી અને અયોગ્ય વર્તન કર્યાની ઘટનાથી ચકચાર વ્યાપી ગઈ હતી. પોલીસ આવા આવારાતત્વો સામે કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.