વડોદરા,અટલાદરા અક્ષર ચોક પાસેથી ચોરી થયેલી બાઇક લઇને મોડીરાત્રે નીકળેલા યાકુતપુરાના યુવક અકોટા દાંડિયાબજાર બ્રિજથી નર્સિંગ હોમ તરફ જવાના રોડ પરના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું.
ગઇકાલે મોડીરાત્રે પોણા એક વાગ્યે અકોટા દાંડિયાબજાર બ્રિજથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ પૂરઝડપે આવતો એક બાઇકચાલક ધડાકાભેર અથડાયો હતો. માથા અને મોંઢાના ભાગે ગંભીર ઇજા થતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ડોક્ટરે તેનું મરણ થયું હોવાનું જણાવ્યું હતું. રાવપુરા પોલીસે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક જે બાઇક લઇને નીકળ્યો હતો. તે બાઇક તેની નહતી. બાઇકના નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બાઇક કલાલી ખિસકોલી સર્કલ પાસે ચામુંડાનગરમાં રહેતા સૂરજકુમાર જીતેન્દ્રભાઇ તિવારીની હતી. ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકની બાઇક ગઇકાલે અક્ષર ચોક પાસેથી ચોરાઇ ગઇ હતી. જે અંગે તેણે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
દરમિયાન પોલીસે મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોનના આધારે તેના આધાર કાર્ડનો નંબર મેળવ્યો હતો. આ આધાર કાર્ડ પર ઇશ્યૂ થયેલા અન્ય સીમ કાર્ડની વિગતો મેળવી પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. મૃતકનું નામ મોહંમદસાજીદ મોહંમદસલીમ અરબ, ઉં.વ.૨૮ (રહે. અજબડી મિલ પાસે, યાકુતપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીની બાઇક મૃતક પાસે કઇ રીતે આવી, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જે સ્થળેથી બાઇક ચોરાઇ હતી. તેની નજીકના સીસીટીવી ફૂટેજની પોલીસ ચકાસણી કરી રહી છે.
માથા પર પ્લાસ્ટિકની કોથળી પહેરી હોવાથી સ્ટંટબાજી કરતો હોવાની ચર્ચા
વડોદરા,
અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકે માથા પર પ્લાસ્ટિકની કોથળી પહેરી હોવાનું જાણવા મળ્યું છે. શરૃઆતમાં તે સ્ટંટબાજી કરતો હોવાનું જણાઇ આવ્યું હતું. પરંતુ, મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી પહેરવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.


