Gujarat

રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત

By GS TEAM
26 Oct 20251 min read
રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત

- રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો

- પરિવારનો આધાર સ્તંભ યુવાનના મોતથી 5 સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી

હળવદ : હળવદ રાણેકપર રોડ પર શુકન સોસાયટી પાસે રાણેકપર ગામના યુવાનના બાઈક આડે ખૂટીયો આવતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાનના મોતના સમાચારના પગલે પરિવાર સહિત ગામમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યુ હતું.

રાણેકપર ગામે રહેતા મુન્નાભાઈ વજુભાઈ ઉડેચા (ઉ.વ.૩૭) ભાઈબીજ  રાત્રીના પોતાના ઘરે રાણેકપર જઈ રહ્યા હતા. ત્યારે રાણેકપર  રોડ પર આવેલ શકુન બંગલોઝ પાસે બાઈક આડે ખુટીયો ઉતરતા અકસ્માત સર્જાયો હતો,અકસ્માત થતાં  મુન્નાભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ હળવદ અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે લઈ  જવાતા હતાં ત્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું.

પરિવારનો આધાર સ્તંભ એવા મુન્નાભાઈ અકસ્માતે મૃત્યુ થતા ચાર દીકરી અને એક દીકરાએ પિતા ની છત્રછાયા ગુમાવી હતી, પરિવારની સાથે સાથે નાના એવા ગામમાં  શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુટિયાનો ત્રાસ વધી ગયો છે. દિવાળી ટાણે મેઈન રોડ પર જાહેરમાં આખલા યુદ્ધ ખેલાતા અફળા તપડીનો માહોલ સર્જાયો હતો, તો તાત્કાલિક ધોરણે હળવદ શહેરમાં આખલાનું નિરાકરણ  તંત્ર દ્વારા લાવવામાં આવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.