Gujarat

ખેડાની ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલા પર સહકર્મીનું વારંવાર દુષ્કર્મ

By GS TEAM
6 Oct 20251 min read
ખેડાની ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલા પર સહકર્મીનું વારંવાર દુષ્કર્મ

- બીભત્સ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી

- કાળા કાચવાળી ગાડી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વસ્ત્રાલના શખ્સનો અવારનવાર બળાત્કાર

નડિયાદ : ખેડા પંથકની ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને સાથી કર્મચારીએ બીભત્સ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે પીડિત મહિલાએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં શિવ-શુખનગર સોસાયટી વાલમાં રહેતા શૈલેષ રમણભાઈ પ્રજાપતિ ખેડા હાઇવે પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 

અમદાવાદના હરીનગરની એક સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય મહિલા પણ આ જ કંપનીમાં નોકરી કરે છે. તેઓ સાથે નોકરી કરતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. 

દરમિયાન શૈલેષ રમણભાઈ પ્રજાપતિ મહિલાને મોબાઈલ ફોન પર અવારનવાર તેની સાથેના નગ્ન હાલતમાં અંગતપળો માણતા પાડેલા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી મહિલા ઉપર કાળા કાચવાળી ગાડીમાં તેમજ જુદા જુદા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પીડિતાની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે શૈલેષ રમણભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.