Gujarat

ઈડર તાલુકાના ભદ્રેસર ગામમાં કેનેડાથી આવેલી મહિલા કોરોનામાં સપડાતા ફફડાટ

By GS Team
24 Dec 20212 mins read
This article was originally published on 24 Dec 2021

હિંમતનગર, તા.23

રાજ્યમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના આગમનથી આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભદ્રેસરથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઈસોલેશન કરાયા છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્યની ટીમોએ મહિલાના પરિવારના ૩ સભ્યોના આરોગ્યનો સર્વે કર્યો હતો. જ્યારે મહિલામાં નવા વેરિયેન્ટના લક્ષણો છે કે કેમ..?? તે માટે સેમ્પલ ગાંધીનગર જી.બી.આર.સી.માં મોકલવામાં આવ્યાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ ન બને તે માટે આરોગ્ય વિભાગ સજાગ બન્યો છે. વિદેશથી આવેલા અનેક પ્રવાસીઓને હોમ આઈસોલેશન કરાયા હતા અને મોટાભાગના પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો દમ લીધો છે પરંતુ ગત તા.૧૬ ડિસેમ્બરે ઈડરના ભદ્રેસરનું દંપતિ કેનેડાથી આવ્યું હતું અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સેમ્પલ લેવાયા હતા જેમાં ર૭ વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ટીમો ભદ્રેસર પહોંચી હતી જ્યાં મહિલાના પતિ તેમજ માતા-પિતાના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી પરંતુ રાહતરૂપ રિપોર્ટ હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનિય છે કે તાજેતરના કેટલાક દિવસોમાં વિદેશથી અથવા તો અન્ય રાજયોમાંથી આવતા નાગરિકોને ૭ અથવા તો ૧૪ દિવસ માટે કોરન્ટાઈન રહેવા જણાવાયુ છે તથા જિલ્લાની પ્રજાને સાવચેતીના ભાગરૂપે માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા તથા ભીડભાડવાળી જગ્યાએ ન જવા જણાવાયુ છે નાના બાળકોને શકય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યા તથા બહાર લઈ જવા તેમજ ભણતા હોય તે શાળાના સંચાલકો તથા શિક્ષકની સલાહ મુજબ જરૂર પડે તો ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ પધ્ધતિ અપનાવી બાળકને અભ્યાસ કરાવવો હિતાવહ છે.

૪૦ દિવસ પછી કોરોનાનો કેસ નોંધાયો ઃ ઈ.એમ.ઓ.

સાબરકાંઠા ઈ.એમ.ઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૪૦ દિવસ પછી કોરોનાનો કેસ નોંધાયો છે. અગાઉ હિંમતનગરમાં જે કેસ નોંધાયા તે ગાંધીનગર જિલ્લાના હોવાનું પણ જણાવ્યું છે.