Gujarat

શેરબજારમાં રોકાણના નામે કુલ 9 જણા સાથે રૂ. 1.18 કરોડની ઠગાઇ

By GS TEAM
12 Sep 20252 mins read
શેરબજારમાં રોકાણના નામે કુલ 9 જણા સાથે રૂ. 1.18 કરોડની ઠગાઇ

પ્રદીપ ડાવેરા આણી ટોળકી સામે વધુ એક ગુનો નોંધાયો : રોકાણ પર દર મહિને 10 ટકા રિટર્નની લાલચ આપતાં રોકાણકારો જાળમાં ફસાયા : અરજીના આધારે ગુનો નોંધાયો

રાજકોટ, : શેરબજારમાં રોકાણના નામે નવેક જણાના રૂ. 1.18 કરોડ ઓળવી જવા અંગે આરોપીઓ પ્રદીપ ખોડાભાઈ ડાવેરા, દિવ્યેશ કાલાવડિયા અને હિતેશ લુક્કા સહિતનાઓ સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જામનગર રોડ પરના પરસાણાનગર શેરી નં. 9માં રહેતા અને આરએમસીની ઓફિસમાં નોકરી કરતાં મનોજ નૈયર (ઉ.વ. 31)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સાતેક વર્ષ પહેલા તે નાણાવટી ચોકમાં આવેલા જાસલ કોમ્પ્લેક્સમાં નોકરી કરતો હતો ત્યારે સંબંધી જનક ઝાલાએ કહ્યું હતું કે સમય ટ્રેડીંગની સ્કીમ મુજબ શેરબજારમાં રોકાણ કરવાથી નફા ઉપર 10 ટકા લેખે રિટર્ન મળે છે. જેથી તેણે રોકાણ કરવાનું નક્કી કરી 2019ની સાલમાં 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલી સમય ટ્રેડીંગની ઓફિસમાં રૂ. 1લાખ ભર્યા હતાં.

2020 સુધીમાં કુલ 23 લાખ જમા કરાવ્યા હતા. શરૂઆતમાં તેને રૂ. 5 લાખ જેટલો પ્રોફીટ મળ્યો હતો. ત્યાર પછી પ્રદીપ ડાવેરાએ કહ્યું કે હવે પછી ત્રણ મહિનાનો પ્રોફીટ એકસાથે આપીશ. આ પછી પ્રદીપ સહિતના ત્રણેય આરોપીઓએ કંપની બંધ કરી આશિષ કો.ઓપ. સોસાયટી લી. નામની  મંડળી ચાલુ કરી હતી. તે વખતે અગાઉ કરી આપેલુ સમજુતિ કરાર જમા કરાવવાનું કહેતા તેમ કર્યું હતું. બદલામાં આશિષ કો.ઓપ.ની એફડી કરી આપી હતી. બે મહિના પછી એફડી જમા કરાવી દેવાનું કહેતા તેમ કર્યું હતું. 

પરંતુ નક્કી થયા મુજબ એક મહિનાની અંદર રોકડ રકમ મળી ન હતી. જેથી પ્રદીપ ડાવેરા, તેના ભાગીદારો અને જનક ઝાલાનો સંપર્ક કરતાં થયો ન હતો. આ પછી જાણવા મળ્યું હતું કે તેની સાથે અને તેના સમાજના ઘણા લોકોએ પણ આ સ્કીમમાં નાણા રોક્યા છે. તેના સમાજના લોકોએ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ સોસાયટીમાં રોકાણ કર્યાની માહિતી મળી હતી.

જેથી તેણે અને તેના સમાજના લોકોએ 2020ની સાલમાં આરોપીઓ વિરૂધ્ધ અરજી કરતાં પ્રદીપ ડાવેરાએ છથી આઠ મહિનામાં રકમ ચૂકવી દેવાનું લખાણ કરી આપ્યું હતું. પરંતુ આજ સુધી રકમ પરત આપી ન હતી. આરોપીઓ ચેક પણ આપ્યા હતાં. એટલું જ નહીં શિતલ પાર્ક પાસે ધ સ્પાયર બિલ્ડિંગમાં આશિષ કો.ઓપ. સોસાયટીની ઓફિસ ચાલુ કરી હતી. જેમાં પણ તેના સમાજના ઘણા લોકોએ એફડી કરાવી હતી.  આ રીતે તેના રૂ. 23 લાખ અને અન્યોના મળી કુલ રૂ. 1.18 કરોડની છેતરપિંડી કરાતા ફરિયાદ નોંધાવી હતી.